• શનિવાર, 14 માર્ચ, 2026

જામનગરમાં મકાનમાં તોડફોડ અને ધમકીના કેસમાં પોલીસે વકીલની અટકાયત કરતા વકીલોમાં રોષ

ફરિયાદની તટસ્થ તપાસ કરવા અંગે વકીલમંડળની એસપીને રજૂઆત

જામનગર, તા.2: જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એક મહિલાના મકાનમાં ઘુસી જઈ થોડા દિવસો પહેલા કુખ્યાત દિવ્યરાજ મંગળસિંહ ચૌહાણ ઉર્ફે દિવલા ડોન તથા બલભદ્રસિંહ પાથુભા જાડેજા ઉર્ફે ડુંગા નામના શખસોએ તોડફોડ મચાવી પતાવી દેવાની ધમકી આપી મકાન ખાલી કરી નાખવા ધમકાવ્યા હતા તેવી ફરિયાદ સિટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

આ કેસમાં ફરિયાદી મહિલાએ જણાવ્યા મુજબ દિવલા ડોનએ કોઈના મોબાઈલમાંથી એન.એન.નામના વકીલ સાથે વાત કરાવી હતી તેથી પોલીસે જામનગરના વકીલ નિર્મળસિંહ એન.જાડેજાની રાત્રીના સમયે અટકાયત કરતા આ મુદે વકીલો તથા પોલીસ તંત્ર આમને-સામને આવી ગયા હોય તેવું ચિત્ર સર્જાયું છે.

આ વકીલનું નામ જે તે વખતે જાહેર થયા પછી જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવા તેમજ અન્ય હોદેદારો તત્કાલીન એસ.પી.ને મળવા માટે ગયા હતા અને આ ફરિયાદની તટસ્થ તપાસ યોજવા અને જો તેમાં વકીલની સંડોવણી ખુલે તો તેની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું, તે પછી સિટી બી ડિવીઝન પોલીસે રાત્રે બે વાગ્યે વકીલ નિર્મળસિંહ જાડેજાની તેમના ઘરેથી અટકાયત કરી હતી તેથી આ મુદો ગરમાયો છે.

ગઈકાલે ઉપરોક્ત પ્રશ્નો અંગે ન્યાયાલયના વકીલખંડમાં જામનગર વકીલમંડળની મળેલી બેઠકમાં વકીલોએ એક સુરે પોલીસના પગલાને વખોડી કાઢયું હતું. જામનગર વકીલ મંડળની મળેલી બેઠકમાં સિનિયર એડવોકેટ અને ગુજરાત બાર કાઉન્સિલના હોદેદાર મનોજભાઈ અનડકટ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુદે હાઈકોર્ટમાં લડત આપવાની વિચારણા થઈ રહી છે. તે દરમિયાન કોર્ટ કાર્યવાહી અન્વયે કોર્ટમાં આવેલા પીઆઈ પી.પી.ઝાને ઘેરવાનો પ્રયત્ન થયો હતો. જેના પગલે સિટી બી ડિવીઝન તથા એલસીબીના સ્ટાફે ઘસી જઈ સમજાવટ કરી હતી અને મામલો થાળે પડયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક