• શુક્રવાર, 13 માર્ચ, 2026

રેશમડીની નદીમાં કેમિકલનું ઝેર, GPCBએ પાણીના નમૂના લીધા

પાણી લાલઘૂમ થતાં ખેડૂતોમાં ભયનો માહોલ, પ્રદૂષણ માફિયા બેફામ-સ્થાનિક તંત્ર નિક્રિય 

જેતપુર, તા.2 : તાલુકાના રેશમડી ગામ પાસેથી પસાર થતી ગાલોળિયા નદીમાં પ્રદૂષણ માફિયાઓની બેફામ પ્રવૃત્તિ સામે આવી છે. અજાણ્યા શખસો દ્વારા નદીમાં રાસાયણિક કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવતાં નદીનું પાણી ગંભીર રીતે પ્રદૂષિત થયું હતું અને તેનો રંગ બદલાઈ ગયો હતો. આ પ્રદૂષણને કારણે ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકોમાં ભય ફેલાયો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ નદીના પાણીમાં કેમિકલ છોડવામાં આવ્યું હોવાની ગંભીર ઘટનાની જાણ થતાં જ રેશમડી ગામના સરપંચ દ્વારા તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. મામલાની ગંભીરતા જોતાં તંત્રએ ત્વરિત કાર્યવાહી કરી હતી. જેતપુર જીપીસીબીની ટીમે ગાલોળિયા નદીના સ્થળની મુલાકાત લીધી હતી. ટીમે સમગ્ર વિસ્તારની તપાસ કર્યા બાદ પ્રદૂષિત પાણીના નમૂના એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

ગાલોળિયા નદીનું પાણી સ્થાનિક ખેતી અને પશુધન માટે આશીર્વાદ સમાન છે, પરંતુ આ કેમિકલયુક્ત પ્રદૂષણથી પરિસ્થિતિ ગંભીર બની છે. જો પશુ આ ઝેરી પાણી પીવે તો તેમના સ્વાસ્થ્ય પર જીવલેણ અસર થવાની ભીતિ છે. સ્થાનિકોમાં આ બાબતે તંત્રની ઢીલી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દોષિતો સામે માત્ર દંડ નહીં, પરંતુ સખત કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માગ છે.

ઇ-પેપરના નવા શુલ્ક