કપાસ ખૂબ ભેજવાળો આવતો હોવાથી
માત્ર 50 જિનો શરૂ થયા : તાપ પડે તો ઉદ્યોગ ધમધમશે
રાજકોટ,તા.3 : (ફૂલછાબ ન્યૂઝ)
આયાતી કપાસની ભરમાર વચ્ચે પણ જિનીંગ મિલોએ રૂની નવી સીઝનનો આરંભ કર્યો છે. નવરાત્રિ
અને દશેરાના દિવસો દરમિયાન સૌરાષ્ટ્રમાં આશરે 50થી 60 જેટલી જિનીંગ મિલોએ શ્રીગણેશ
કર્યા છે. અલબત્ત, આ દર સામાન્ય વર્ષો કરતા ઓછો છે. ચોમાસું લંબાયુ છે એ કારણે ખૂબ
ભેજવાળો કપાસ આવે છે એટલે ઓછી મિલો હજુ શરૂ થઇ છે પણ વાતાવરણ ચોખ્ખું થાય અને તાપ પડે
તો જિનીંગ મિલો ધમધમવા લાગશે.
સૌરાષ્ટ્રમાં આશરે સાડા ત્રણસો
જેટલી જિનીંગ મિલો છે જે નવરાત્રિના પર્વમાં ગાંસડી બાંધવાનો આરંભ કરતી હોય છે. એ પૈકી
આશરે 50-60 જિનો શરૂ થઇ છે. અગ્રણી બ્રોકર આનંદ પોપટ કહે છે, વરસાદ લાંબો સમય સુધી
ચાલુ રહ્યો છે પરિણામે કપાસમાં હવા મોટાંપ્રમાણમાં આવે છે. આ કપાસ જિનીંગ મિલોમાં ચલાવી
શકાય નથી એટલે જિનો શરૂ કરવામાં વિલંબ થયો છે. ચાર પાંચ દિવસ તાપ પડે તો કપાસ સૂકો
આવશે અને વધુ કેટલાક જિનો કામકાજ આરંભશે. તેમણે ઉમેર્યુ કે, ચાલુ વર્ષે કપાસની ક્વોલિટી
સારી થઇ હતી અને ઉતારા પણ સારા હતા પરંતુ પાછોતરા વરસાદને લીધે ગ્રેડમાં બગાડ થયો છે.
વરસાદ પછી કેવો કપાસ આવે છે તે જોવાનું છે.
કપાસની આવક સૌરાષ્ટ્રભરમાં
90 હજાર મણ આસપાસ થવા લાગી છે. વરસાદને લીધે આવક પણ તંગ છે. ચોખ્ખું હવામાન આવકમાં
વધારો કરશે. કપાસનો સરેરાશ ભાવ રૂ. 900થી 1550 વચ્ચે ચાલે છે.
ગુજરાતમાં સંકર રૂનો ભાવ રૂ.
54200-54500 ખાંડીએ ચાલે છે. ભારતમાં અત્યારે આયાતી રૂ પણ આવે છે. જોકે સારી ક્વોલિટી
અને ઉત્તમ માઇકવાળું રૂ જોઇતું હોય તો દેશી કપાસ વિના છૂટકો નથી તેમ અગ્રણીઓ જણાવે
છે.આયાતી રૂ નબળું અને મધ્યમ ક્વોલિટીનું આવે છે. જે બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયાથી વધારે
પ્રમાણમાં આવી રહ્યું છે. આયાતી સારાં રૂ ભારતીય રૂની સાથેના ભાવમાં જ વેચાય છે.