ગુજરાતની સેન્ટ્રલ જેલોમાં કેદીઓની
સંખ્યા ક્ષમતા સામે 135 ટકા, ડિસ્ટ્રિક્ટ જેલોમાં 107 ટકા અને સબ જેલોમાં સૌથી વધુ
દયનીય સ્થિતિ, અહીં 148 ટકા કેદીઓ
દેશમાં સૌથી વધુ 155 ટકા કેદીઓ
મહારાષ્ટ્રમાં અને પાંચમે નંબરે ગુજરાતમાં જેલોમાં કેદીઓની ક્ષમતા સામે 123 ટકા કેદીઓ
છે
અમદાવાદ, તા.3 : દેશમાં સેન્ટ્રલ,
જિલ્લા અને સબજેલો સહિતની વિવિધ જેલોમાં કુલ 3,93,500 કેદીઓને સમાવવાની ક્ષમતા સામે
હાલ 4,23,220 જેટલા કેદીઓ નાની-મોટી સજા ભોગવી રહ્યાં છે કાંતો, ચુકાદાની રાહમાં જેલ
કાપી રહ્યાં છે એટલે કે દેશના વિવિધ રાજ્યોની જેલોમાં કેદીઓને સમાવવાની ક્ષમતા સામે
કેદીઓની સંખ્યા 119 ટકા જેટલી છે. એવી જ રીતે ગુજરાતમાં વિવિધ જેલોમાં કુલ 12,896 જેટલા
કેદીઓને સમાવવાની ક્ષમતા છે, તેની સામે કુલ 17,265 કેદીઓ સજા ભોગવી રહ્યાં છે. એનો
સીધો અર્થ એ થાય છે કે, દેશ અને ગુજરાતમાં જેલોમાં જેટલા કેદીઓને સમાવવાની ક્ષમતા છે,
તેની સામે હયાત કેદીઓની સંખ્યા 123 ટકા જેટલી છે. જે 23 ટકા વધુ છે. આવી પરિસ્થિતિમાં
જેલોમાં કેવી રીતે, કેવી સ્થિતિમાં સજાનો સમય પસાર કરી રહ્યાં હશે, તેની કલ્પના કરવી
રહી.
ગુજરાતની સેન્ટ્રલ જેલમાં કુલ
7740 કેદીઓને સમાવવાની ક્ષમતા સામે હાલ 135 ટકા એટલે કે, 10,430 કેદીઓ સજા ભોગવી રહ્યાં
છે, એવી જ રીતે ડિસ્ટ્રિક્ટ જેલોમાં 3885 કેદીને સમાવવાની ક્ષમતા સામે 107 ટકા એટલે
કે, 4170 કેદી તથા સબ જેલોમાં 1180 કેદીની ક્ષમતા સામે 148 ટકા એટલે કે 1743 કેદીઓને
ભરી દેવામાં આવ્યાં છે. આમ ગુજરાતમાં સૌથી વધુ કેદીઓની ગીચતા સબ જેલોમાં છે. આ દિશામાં
રાજ્ય સરકાર જરૂર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, એમ મનાય છે. તેની સરખામણીમાં મહિલા જેલ,
ઓપન જેલ અને સ્પેશ્યલ જેલોમાં કેદીઓની સ્થિતિ સારી છે.
દેશના અન્ય રાજ્યોમાં તો કેદીઓની
સ્થિતિ ગુજરાતની સરખામણી વધુ ખરાબ છે. દેશમાં સૌથી વધુ કેદીઓ મહારાષ્ટ્રની જેલમાં છે,
મહારાષ્ટ્રની જેલોમાં કેદીઓની સંખ્યા તેની ક્ષમતા સામે 155 ટકા, ઉત્તરપ્રદેશમાં
152 ટકા, મધ્યપ્રદેશમાં 150 ટકા અને છત્તીસગઢની જેલોમાં 128 છે. વિવિધ કક્ષાની જેલોની
સંખ્યાના પ્રમાણમાં કેદીઓની ક્ષમતા સામે કેદીઓની હયાત સંખ્યાની સ્થિતિમાં ગુજરાત
123 ટકા સાથે 5માં ક્રમે આવે છે. અહીં નોંધનીય બાબત એ છે કે, ઉત્તરાખંડ જેવા નાના રાજ્યમાં
તો, જેલોમાં કેદીઓની સંખ્યા સૌથી વધુ દયનીય છે. ઉતરાખંડમાં કેદીઓને સમાવવાની ક્ષમતા
3603ની છે. તેની સામે 183 ટકા એટલે કે 6885 જેટલા કેદીઓ સજા કાપી રહ્યાં છે.