• સોમવાર, 10 નવેમ્બર, 2025

મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાનો અંદાજ છતાં સીંગતેલ વધ્યું

સતત વરસાદથી ખેડૂતોમાં ચિંતા: સીંગતેલ સસ્તું રહે તો નિકાસની સંભાવના ઉજળી

રાજકોટ, તા.4(ફૂલછાબ ન્યૂઝ) : મગફળીનું ઉત્પાદન રેકોર્ડબ્રેક થવાના અંદાજો છતાં સીંગતેલના ભાવ સુધરવા લાગ્યા છે. વરસાદને લીધે નવી મગફળી વિલંબથી આવવાની ગણતરી છે. એ ઉપરાંત નાફેડની મગફળીની મળતર ધીમી પડતા તેલ મિલોએ ભાવ ઉંચકાવ્યા છે. પાંચ દિવસમાં સીંગતેલનો ડબો રૂ.40 મોંઘો થયો છે. અલબત્ત દિવાળી બાદ મગફળીની પુષ્કળ આવક થવાનો અંદાજ છે ત્યારે સીંગતેલના ભાવ ફરીથી દબાણ હેઠળ આવશે. નવ સીઝનમાં પણ સીંગતેલના ભાવ કાબૂમાં રહેશે, અત્યાર જેવા સસ્તાં પણ રહેશે.

સીંગતેલના નવા ડબાનો ભાવ રૂ. 2290-2340ના સ્તરે પહોંચ્યો છે. ચાલુ સપ્તાહમાં નોંધપાત્ર ભાવવધારો પુષ્કળ સ્ટોક અને ઉત્પાદન છતાં આવ્યો છે. જોકે તે ટકાઉ જણાતો નથી. ભાવ ફરીથી ઠંડા પડી જવાની પૂરતી શક્યતા છે તેમ અભ્યાસુઓએ કહ્યું હતું. સરકારે મગફળીનું ઉત્પાદન નવી સીઝનમાં 66 લાખ ટન થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જોકે વેપારી અંદાજ 54-55 લાખ ટન જેટલો છે. એ પણ ગયા વર્ષના 40-42 લાખ ટન કરતા ઘણો વધારે છે એટલે સીંગતેલ મોંઘું રહેવાનું નથી. સીંગતેલ સસ્તું રહે અને ચીનમાં નિકાસ થાય તો બજારમાં મંદી મુશ્કેલ બનશે પણ ભાવ હાલની સપાટી આસપાસ રહેશે તેમ નિકાસકારો કહે છે.પાછલી સીઝનમાં ભારતે સવા લાખ ટન જેટલી સીંગતેલની નિકાસ ચીનમાં કરી હતી.

મગફળી ટેકાના ભાવથી સરકારને વેંચવા માટે 9 લાખ કરતા વધારે ખેડૂતોએ નોંધણી કરાવી છે. જોકે સરકાર ખરીદી બાબતે મગનું નામ મરી પાડી રહી નથી. બીજું સરકારે ખરીદીનો જથ્થો પણ ઉંચા ઉત્પાદન વચ્ચે ઘટાડી નાંખતા ખેડૂતોમાં ભારે રોષ છે.

દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ભાગોમાં સતત વરસાદ થઇ રહ્યો હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. અલબત્ત મગફળીના પાકમાં નુકસાની નથી પણ ખેતરમાં પાણી ભરાઇ રહેતા સમસ્યા થવાનો ડર લાગી રહ્યો છે. હજુ એક વાવાઝોડું તોળાઇ રહ્યું હોવાથી પણ ખેડૂતોના જીવ ઉચ્ચક છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025