• સોમવાર, 10 નવેમ્બર, 2025

રાધનપુર પાસે ગમખ્વાર અકસ્માત : ચારના મૃત્યુ, અનેક ઈજાગ્રસ્ત

            રસ્તાનું કામ ચાલુ હોવાથી રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેલર અને બોલેરો પિકઅપ અથડાયા બાદ પાછળ આવી રહેલી એક જીપ અને બે બાઇકનો પણ આ વાહનો સાથે થયો અકસ્માત

અમદાવાદ, તા. 5:   પાટણ જિલ્લાના રાધનપુર નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એકસાથે પાંચ વાહનો અથડાયા હતા. રાધનપુરના મોટી પીપળી નજીક બનેલી આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમા 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અકસ્માતનું પ્રાથમિક કારણ એક બાજુના રસ્તાનું કામ ચાલુ હોવાથી ટ્રેલરનું રોંગ સાઇડમાં આવી જવું માનવામાં આવે છે. રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેલર અને બોલેરો પિકઅપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર બાદ પાછળ આવી રહેલી એક જીપ અને બે બાઇક પણ આ વાહનો સાથે અથડાઈ હતી, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મૃતકોમાં દેસાઈ લક્ષ્મણભાઈ નાગજી ભાઈ (મોટી પીપળી, યશ રૂડાભાઈ રબારી (ઊંચોસણ), કનુભાઈ માધાભાઈ રાવળ. (અગીચાના) અને નસીબ ખાન દિલદાર ખાન મલિક, (ખેરવા દસાડા)નો સમાવેશ થાય છે. જ્યારે 15 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. 

અકસ્માતમાં એક ટ્રેલર, બે બાઇક, એક જીપ અને એક બોલેરો પિકઅપ સહિત પાંચ વાહનોનો સમાવેશ થાય છે. તમામ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. અકસ્માત ઈજાગ્રસ્ત થયેલાઓને રાધનપુરની રેફરલ હોસ્પિટલ તેમજ આસપાસની અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

બોલેરોમાં 10થી 12 લોકો સવાર હતા

એક ટ્રેલર રાધનપુરથી વારાહી બાજુ જઈ રહી હતી અને સામે બોલેરો પિકઅપ જેમાં 10થી 12 લોકો સવાર હતા. આ ઉપરાંત બે બાઇકમાં જેમાં 4 લોકો સવાર હતા. આ તમામ વાહનો વચ્ચે અકસ્માત થયો છે. પ્રાથમિક તપાસમાં પિકઅપ અને ટ્રેલર વચ્ચે સૌ પ્રથમ ટક્કર થઈ હતી. 

-           આર.કે. પટેલ, પી.આઈ. - રાધનપુર

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025