ખરાબ હવામાનની અસર ટળી જતાં માછીમારોને દરિયો ખેડવા મંજૂરી અપાઈ
અમદાવાદ,
તા.3 : ગુજરાતમાં માવઠાની અસર ઓછી થઈ ગઈ છે. 48 કલાક બાદ વરસાદની કોઈ શક્યતાઓ નથી.
રાજ્યમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ
સાથે વરસાદ થઈ શકે છે. ઓક્ટોબર મહિનામાં વરસાદે ચાર વર્ષનો રેકોર્ડ તોડયો છે. આગામી
દિવસોમાં વરસાદ વિદાય લેશે અને ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થશે.
દરમિયાનમાં
આજે કુલ 29 તાલુકામાંથી કચ્છ અને ભાવનગરને બાદ કરતા સામાન્ય વરસાદ પડયો હતો. જેમાં કચ્છના અંજારમાં સૌથી વધુ 3.19 ઇંચ અને ભાવનગર શહેરમાં
બપોર બાદ ઝાપટું વરસી ગયું હતું તો ઘોઘામાં 1.5 ઇંચ અને પાલિતાણામાં અડધો ઈંચ વરસાદ
પડયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક બાદ વરસાદની વિદાય થશે તેવી આગાહી કરી
છે. આજે રાજ્યમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ
સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે. આગામી 24 કલાક ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં
આવી છે. ગુજરાત પરથી ખરાબ હવામાનની અસર ટળી ગઈ છે. જેના કારણે માછીમારોને દરિયો ખેડવાની
મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર માછીમારોને દરિયો ખેડવા માટે ટોકન ઈશ્યુ કરશે.
સરકાર સાવચેતીના પગલાં લીધા બાદ માછીમારોને દરિયો ખેડવા ટોકન ઈશ્યુ કરશે. 10 જિલ્લાના
મત્સ્યોદ્યોગ નિયામકને પણ આ અંગે સૂચના આપી દેવામાં આવી છે.