ચાર યુવતીને મુક્ત કરાવી એજન્ટ અને હોટલ-સંચાલકની ધરપકડ કરાઈ
સુરત,
તા.3 : સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા વી સ્ક્વેર શાપિંગ મોલની હોટલ કોવમાં પોલીસની
ટીમે દરોડો પાડી કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. હોટલમાંથી પોલીસે યુવતીઓને લાવી દેહવ્યાપાર
કરાવનારા એજન્ટ અને હોટલ-સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેહવ્યાપાર
માટે લાવવામાં આવેલી ચાર યુવતીને મુક્ત કરાવવામાં આવી છે. જેમાં એક યુવતીની ઉંમર ફક્ત
21 વર્ષની છે, જે પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરે છે. ભણવામાં ખૂબ જ હોશિયાર આ વિદ્યાર્થિની
પાસે ફી ભરવાના પૈસા ન હોવાથી દેહવ્યાપારમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે. જેના આધારે
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા
સેલ ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળતા સંયુક્ત ટીમ રાંદેર વિસ્તારમાં આવેલા વી સ્ક્વેર
શાપિંગ મોલના બીજા માળે આવેલી કમ્ફર્ટ કોવ હોટલમાં દરોડો પાડયો હતો. જેમાં પોલીસે ગ્રાહક
બનીને દલાલનો સંપર્ક કર્યો અને આ સમગ્ર ગેરકાયદે
પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે દલાલ રતન મહાદેવ ગયાન ઉર્ફે રાજુ, જે હોટલમાં
મહિલાઓને રાખીને ગ્રાહકોનો સંપર્ક કરતો હતો અને શરીરસુખના પૈસા વસૂલી એમાંથી ભાગ મેળવી
આર્થિક લાભ મેળવતો હતો. હોટલ સંચાલક પીયૂષ લીલાભાઈ દેસાઈ દલાલ દ્વારા લાવવામાં આવેલા
ગ્રાહકોને મહિલાઓ સાથે સંબંધ બાંધવા માટે હોટલના રૂમની વ્યવસ્થા કરી આપતો હતો અને રૂમનું
ભાડું વસૂલ કરતો હતો. પોલીસે સ્થળ પરથી 3 મોબાઇલ, રૂ.11 હજાર રોકડા સહિત કુલ 31 હજારનો
મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
દરોડા
દરમિયાન હોટલના રૂમમાંથી કુલ ચાર ભારતીય મહિલાને રેસ્ક્યૂ કરવામાં આવી હતી. જેમાં ચાર
યુવતીમાંથી એક યુવતી 21 વર્ષની વિદ્યાર્થિની છે અને તે નોઇડામાં પોલિટિકલ સાયન્સનો
અભ્યાસ કરી રહી છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે તે ગરીબ પરિવારમાંથી આવે છે અને
ભણતરમાં હોશિયાર છે, જોકે પોતાના ભણતરનો ખર્ચ અને ફી એકત્ર કરવા માટે તે એક એજન્ટના
માધ્યમથી સુરત આવી હતી અને આ દેહવ્યાપારના ધંધામાં ફસાઈ ગઈ હતી. આ વિદ્યાર્થિની સાથે
અન્ય જે ત્રણ મહિલાને મુક્ત કરવામાં આવી છે, તેઓ પણ આર્થિક મજબૂરીના કારણે કોલકાતાથી
આવી હતી. પોલીસે આ તમામ મહિલાઓનુ કાઉન્સાલિંગ કર્યું છે, જેથી તેઓ આ ગેરકાયદે વ્યવસાયમાંથી
બહાર નીકળી શકે.