• સોમવાર, 10 નવેમ્બર, 2025

મગફળીની ખરીદીમાં વિલંબ ખેડૂતોને આર્થિક નુક્સાન કરશે ટેકાના ભાવે ખરીદીની રાહ જોવાને બદલે ભાવ તફાવત ચૂકવવો જોઇએ: સોમા

રાજકોટ,તા. 3: (ફૂલછાબ ન્યૂઝ) ગુજરાતભરમાં માવઠાંને લીધે મગફળીના પાકને ભારેખમ નુક્સાન થયું છે. ગુણવત્તાની સાથે પુરવઠાને પણ નુક્સાની ગઇ છે. ઉત્પાદનના અંદાજો અગાઉ ઉજળા હતા પણ હવે પાક ઓછો આવશે એવી ગણતરી મંડાવા લાગી છે. બગાડના પ્રમાણને રૂબરુ જોવા મળતું ન હોવાથી અત્યારે વેપાર અટકી ચૂક્યો છે. જોકે એ જ વાંકે સરકારી ખરીદી પણ અટકી જતા ખેડૂતોને ફરજિયાત યાર્ડમાં મગફળી વેચવી પડે છે. પાક નુક્સાનીનો સર્વે થાય અને સરકારી ખરીદી થાય એમાં વિલંબ થશે. તેના સ્થાને ખેડૂતોને અત્યારથી જ મગફળીના બજાર ભાવની સરેરાશ આવે તેનો તફાવત ટેકાના ભાવમાંથી કાઢીને બેંકમાં જમા કરાવી આપવા જોઇએ.

સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસીએશનના કિશોર વિરડીયા કહે છે કે, ખેડૂતોને વ્યાપક નુક્સાની વરસાદે કરી છે. ખેડૂતો પાસે જૂનું ચુકવણું કરવાના, નવા વાવેતર કરવાના અને ઘર ચલાવવાના નાણાની સગવડ નથી પરિણામે ચિંતામાં મૂકાયા છે. સરકારે તાત્કાલિક આર્થિક સહાય કરવી જરુરી થઇ પડી છે. તેમણે કહ્યું કે, નાફેડની ખરીદી શરૂ થઇ નથી. હવે ક્યારે શરૂ થશે એ નક્કી નથી ત્યારે અમારા મતે સરકારે ભાવ તફાવત ચૂકવવાનું શરૂ કરવું જોઇએ. સોમાએ કહ્યું છેકે,  પલળી જવાથી મગફળી અંદરથી અંદર ખરાબ થવાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. જો નાફેડ દ્વારા એમએસપીથી ખરીદી કરવામાં આવશે અનેક પ્રશ્નો સર્જાવાના છે. દાણામાં ફૂગ થઇ જવી, કોટા ફૂટીને બગાડ થવો, મગફળી કાળી થઇને બાટ લાગી જવો, ઉતારામાં ઘટ તથા આફ્લાટોક્સિનનું પ્રમાણ વધી જવાની ફરિયાદો વ્યાપક આવશે. ફરિયાદોને પગલે ખેડૂતનો માલ રિજેક્ટ થશે ત્યારે તેમને પડયા પર પાટું વાગશે.

સરકાર દ્વારા જેટલી ખરીદી થવાની છે તેના માટે તેમણે સૂચન કરતા કહ્યું કે, નવ લાખ એકત્રીશ હજારથી વધારે ખેડૂતોએ મગફળી માટે નોંધણી કરાવી છે. આ તમામ ખેડૂતોને ગયા વર્ષે એક ખેડૂત પાસેથી ખરીદ કરેલ જથ્થાના જ પ્રમાણને ધ્યાનમાં રાખીને બજાર ભાવ સાથે ટેકાનો \તફાવત આપવામાં આવે તે ખૂબ જરુરી છે. ગુજરાતનાં મોટા માર્કેટ યાડો - રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, આ બધા માર્કેટ યાર્ડ માં છેલા 15 દિવસ મગફળી નું વેચાણ થયેલ હોય તેના સરેરાશ ભાવને આધારે ટેકાના ભાવનો તફાવત કાઢીને ચૂકવણું થવું જોઇએ. આમ કરવાને લીધે ખેડૂતોને તત્કાળ નાણાં મળી જશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025