• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

તાપી રિવરફ્રન્ટના ટેન્ડરના નામે દંપતીએ 2 કરોડની છેતરાપિંડી કરી

ગાંધીનગરના દંપતી સામે અગાઉ પણ 20.70 કરોડની ઠગાઈનો નોંધાઈ ચૂક્યો છે ગુનો

અમદાવાદ, તા. 5: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)ના ટેન્ડરના નકલી દસ્તાવેજો બનાવી શહેરના વધુ ત્રણ વેપારી પાસે આશરે 1.90 કરોડથી વધુનું રોકાણ કરાવી મોટેપાયે છેતરાપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર ઈન્ફોસિટી ખાતે ભારત ગેસ એજન્સી ચલાવતા 56 વર્ષીય દર્શનભાઈ ગોરધનભાઈ રામી બાજુની દુકાનમાં ‘ઓમ એન્ટરપ્રાઈઝ’ નામની ઓફિસ ધરાવતા નીરવ મહેન્દ્રભાઈ દવે અને તેની પત્ની મીરા (બન્ને રહેવાસી ગાંધીનગર) સાથે બારેક વર્ષથી પરિચયમાં હતા. ત્યારબાદ દંપતીએ આ ઠગ દંપતીએ જૂન 2024માં દર્શનભાઈને કહ્યું હતું કે તેમની ઓમ એન્ટરપ્રાઈઝ કંપનીને સુરત તાપી નદી રિવરફ્રન્ટ સજાવટનું રૂ. 22.58 કરોડનું સુરત મહાનગરપાલિકાનું (એસેમસી) ટેન્ડર પાસ થયું છે. બાદમાં દર્શનભાઈને વિશ્વાસ અપાવવા તેમણે એસએમસીના બનાવટી લેટરપેડ પર તૈયાર કરાયેલો એક ખોટો ટેન્ડર પાસિંગ લેટર પણ બતાવી એમાં રોકાણ કરવાથી ભારે નફો થશે તેવી લાલચ આપી હતી. 

આ લેટર જોઈને દર્શનભાઈએ વિશ્વાસમાં આવીને રોકાણ કરવાની તૈયારી દર્શાવી હતી. બાદમાં દર્શનભાઈએ તેમનાં જૂનાં લેણાં સહિત કુલ રૂ. 1 કરોડ 12 લાખથી વધુનું રોકાણ કર્યું હતું પરંતુ ખરેખર કામ ન થયું ત્યારે દર્શનભાઈએ પોતાના પૈસાની ઉઘરાણી કરતાં ઠગ દંપતીએ વાયદા કરે રાખ્યા હતા.

  દરમિયાન દર્શનભાઈને તેમના એક ઓળખીતા ભાવિકકુમાર પટેલ પાસેથી જાણવા મળ્યું હતું કે આ દંપતીએ અન્ય લોકો સાથે પણ આ જ પ્રકારની છેતરાપિંડી કરી છે. આખરે દર્શનભાઈ સહિત ત્રણ વેપારી પાસેથી રૂ. 1 કરોડ 90 લાખ 69 હજારથી વધુની ઠગાઈ આચરનાર ઠગ દંપતી વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસે વધુ એક ફરિયાદ નોંધાવી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ પણ ઠગ દંપતીએ વડનગર, પાટણ, દ્વારકા, સુરત અને અમરેલીમાં ગુજરાત ટૂરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામના સરકારી ટેન્ડર બતાવી કુલ 20.70 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હોવાની પણ ઇન્ફોસિટી પોલીસ મથકના ચોપડે નોંધાઈ ચૂકી છે. ઠગ દંપતીએ અત્યારસુધીમાં કુલ મળીને 22.60 કરોડ લોકોના ચાઉં કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક