• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

જૂનાગઢ ભારતી આશ્રમના મહાદેવ ભારતી 3 દિવસે જંગલમાંથી મળ્યા

80 કલાકની શોધખોળ બાદ ઈટવા ઘોડી જંગલમાંથી મળ્યા બાદ સિવિલમાં દાખલ

જૂનાગઢ, તા.5: સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ 80 કલાકના મેગા સર્ચ ઓપરેશન બાદ આખરે ગિરનારના ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી સહીસલામત મળી આવ્યા છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતી 2 નવેમ્બરે વહેલી સવારના 3.47 વાગ્યે 5 પાનાંની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા હતા. બાપુએ લખેલી સુસાઇડ નોટ મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમને સહીસલામત શોધવા માટે ગિરનારના જંગલમાં એક વિશાળ સર્ચ-અૉપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાપુના ગુમ થવાને પગલે તેમના દ્વારા લખવામાં આવેલી પાંચ પાનાની સ્યૂસાઇડ નોટે અનેક રહસ્યો ખોલ્યા હતા. બાપુની સ્યૂસાઇડ નોટ મળ્યા બાદ ભવનાથ પોલીસે તાત્કાલિક ધોરણે એફઆઇઆર નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી. નોટમાં ઉલ્લેખ કરાયેલા હિતેશ, કૃણાલ, પરમેશ્વર ભારતી સહિતના તમામ વ્યક્તિઓની હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મહાદેવ ભારતી બાપુના હેમખેમ મળી આવતા આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાશે અને સત્ય બહાર લાવવાના પ્રયાસો થશે. મહાદેવ ભારતી બાપુના 80 કલાક બાદ મળી આવવાથી તેમના ભાવિકો અને સેવાક ગણમાં હાશકારો થયો છે. હાલ તેઓ સારવાર હેઠળ છે અને તેમની તબિયત સુધારા પર છે. 300થી વધુ જવાનો દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું

મહાદેવ ભારતી બાપુના ગુમ થવાના મામલે જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગિરનારના જંગલમાં એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં પોલીસની 8 ટીમ તહેનાત કરવામાં આવી હતી, જેમાં 240થી વધારે પોલીસ સ્ટાફ, 40થી વધુ જવાનો અને 30થી વધુ વન કર્મચારીઓ સહિત કુલ 300થી વધુ જવાનો અને અધિકારીઓ જોડાયા હતા. જટાશંકર મંદિરના વિસ્તારથી શરૂ કરાયેલું આ સર્ચ ઓપરેશન વેલનાથ સમાધિ વિસ્તાર, માજનનું પરાગ, નખલી કેડી, ઓરિયો કૂવા વાળો વિસ્તાર અને જાંબુડા તળાવ જેવા અનેક દુર્ગમ વિસ્તારોમાં ચલાવવામાં આવ્યું હતું. ટીમોને સંકલન જાળવવા માટે વોકીટોકી, દૂરબીન અને ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી હતી.

સ્યૂસાઇડ નોટમાં માનસિક ત્રાસનો ઉલ્લેખ, પાંચ શખસ સામે આરોપ

બાપુએ ગુમ થતા પહેલા લખેલી સ્યૂસાઇડ નોટમાં જણાવ્યું હતું કે, તેઓ કેટલાક શિષ્યો અને અન્ય લોકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવતા માનસિક ત્રાસથી એટલા કંટાળી ગયા છે કે તેમને જીવન ટૂંકાવવા મજબૂર થવું પડયું છે. નોટમાં હિતેશ ઝડફિયા, કૃણાલ હરિયાણી અને પરમેશ્વર ભારતી (પૂર્વાશ્રમમાં પરેશ) નામના વ્યક્તિઓ દ્વારા થતા ત્રાસનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અમદાવાદના નિલેશ ડોડિયા અને રોનક સોની પર પણ માનસિક ત્રાસ આપવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક