• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

નેપાળમાં ટ્રેકિંગ કરતા ગુમ થયેલા પિતા-પુત્રીના મૃતદેહ 23 હજાર ફુટની ઉંચાયે બરફ નીચે મળ્યા બારડોલીના કડોદ ગામના પિતા-પુત્રીનો ભારે હિમવર્ષામાં સંપર્ક તૂટ્યાના 19 દિવસ બાદ મૃતદેહ મળ્યા

ટ્રેકિંગના શોખીન પિતા-પુત્રીએ આ પડકારરૂપ ટ્રેક પર જવા માટે કોઈ ટ્રાનિંગ લીધી નહોતી

રાજકોટ, તા. 9: સુરતના બારડોલી તાલુકાના પિતા-પુત્રી નેપાળમાં ટ્રેકિંગ કરવા ગયા હતા. જ્યાં ભારે હિમવર્ષા દરમિયાન તેમની સાથેનો સંપર્ક તૂટયો હતો. ત્યારથી તંત્ર અને પરિવારજનો તેમની ભાળ મેળવવા ઉચ્ચક જીવે દોડધામ કરતા હતા. ત્યારે આ પિતા-પુત્રી ગુમ થયાના 19 દિવસ બાદ તેમના મૃતદેહ બરફમાં દટાયેલી હાલતમાં મળી આવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના એક પર્વતારોહક પિતા અને તેમની પુત્રી જીજ્ઞેશભાઈ લલ્લુભાઈ ભંડારી અને પ્રિયાંશીના મૃતદેહ આજરોજ શોધખોળ દરમિયાન મળી આવ્યા છે. કડોદ ગામના રહેવાસી જીગ્નેશભાઈ અને તેમની ધોરણ-11માં અભ્યાસ કરતી પુત્રી પ્રિયાંશીને દુર્ગમ પહાડી વિસ્તારોમાં ટ્રાકિંગ કરવાનો ભારે શોખ હતો. આ શોખને સંતોષવા માટે બન્ને પિતા-પુત્રીએ નેપાળના પડકારરૂપ અન્નપૂર્ણા-3 તરફના ટ્રાકિંગનું આયોજન કર્યું હતું. પિતા-પુત્રી ગત 14 ઓક્ટોબરના રોજ નેપાળ જવા રવાના થયા હતા અને 21 ઓક્ટોબરના રોજ તેમને પર્વતારોહણની શરૂઆત કરી હતી. તેઓનો 31 ઓક્ટોબર સુધીમાં પરત ફરવાનો નિર્ધારિત કાર્યક્રમ હતો.

 જીજ્ઞેશભાઈની પત્ની જાગૃતિ બહેને છેલ્લે 21 ઓક્ટોબરના રોજ ફોન પર વાત કરી હતી. ત્યારે જીગ્નેશભાઈએ જણાવ્યું હતું કે, નેપાળમાં ભારે હિમવર્ષા થવાના કારણે અન્નપૂર્ણા-3 તરફના માર્ગો બંધ થઈ ગયા છે. ત્યાર બાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો.

 સતત બે દિવસ સંપર્ક ન થતાં જાગૃતિબેને તેમણે રોકાણ કરેલી હોટલનો સંપર્ક કર્યો હતો, જ્યાંથી તેઓ પરત ન ફર્યા હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ કડોદ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને માંડવી ખાતે સાંસદ પ્રભુ વસાવાની ઓફિસ મારફતે વિદેશ મંત્રાલય અને ભારતીય એમ્બેસીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

જાગૃતિબેને ચિંતા વ્યક્ત કરી હતી કે, તેમના પતિ અને પુત્રી 23 હજાર ફૂટની ઊંચાઈ પર ફસાયા હોવાનો અંદાજ છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે આ ટ્રેક પર જવા માટે કોઈ વિશેષ ટ્રાનિંગ લીધી નહોતી.

ત્યારે આજે કરવામાં આવેલી સઘન શોધખોળ દરમિયાન, ભારે હિમવર્ષામાં લાપતા થયેલા બન્ને પિતા અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા. ભારે હિમવર્ષાને કારણે બન્ને સંપર્ક વિહોણા થયા હતા અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિનો ભોગ બન્યા હતા. નેપાળના તંત્ર દ્વારા બન્નેના મૃતદેહને પરત લાવવાની અને અન્ય જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ આઘાતજનક  ઘટનાથી કડોદ ગામમાં શોક ફેલાયો છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક