બહાઉદ્દીન કોલેજથી 8.6 કિ.મી. લાંબી પદયાત્રા યોજાઈ, સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન
જૂનાગઢ તા. 9 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રભાતકાળે લોહપુરુષ અને દેશના
મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી અને જૂનાગઢના મુક્તિ દિવસના અવસરે
સરદાર ।઼ 150 યુનિટી માર્ચ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉગતા
સૂર્યની સાક્ષીએ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ સ્થિત આરઝી હકુમત દ્વારા મળેલી મુક્તિના
સ્મરણ સ્મૃતિ સ્મારક ખાતે સ્વાતંત્ર્યવીરોને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને
જણાવ્યું હતું કે સૌ સાથે મળી ચાલે અને સમરસ સમાજનું નિર્માણ થાય તે માટે યુનિટી માર્ચના
માધ્યમથી તમામ વર્ગોને સાંકળી રાજ્યભરમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
તેના પ્રથમ ચરણની શરૂઆત આજે ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજના મેદાનથી થઈ છે. તે સૌને પ્રેરણા
પૂરી પાડશે.
વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સમગ્ર દેશમાં યોજાઈ રહેલી એકતા યાત્રા ખરા અર્થમાં
ભારતને એક અને અખંડ બનાવી સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપતી યાત્રા બની રહેશે.
15મી ઓગસ્ટના રોજ દેશ આઝાદ થયો હતો, પરંતુ જૂનાગઢના નવાબની લોકમત વિરૂદ્ધની નીતિના
કારણે 86 દિવસના સંગ્રામ બાદ ઉપરકોટમાં ભારતનો તિરંગો લહેરાવવા સાથે જૂનાગઢ વાસ્તવમાં આઝાદ થયું હતું અને તે રીતે
તા. 9 નવેમ્બરને જૂનાગઢ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આરઝી હકુમત દ્વારા જૂનાગઢને
મુક્તિ અપાયા બાદ તા.12 નવેમ્બરના રોજ આ જ બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સરદાર વલ્લભભાઈ
પટેલે સભા કરીને જૂનાગઢવાસીઓને અભિનંદન પાઠવ્યાં હતા અને ત્યાર બાદ અહીંથી સોમનાથ ગયા
હતા. તા.13 નવેમ્બરે સોમનાથની ભગ્ન અવસ્થા જોઈને સરદારે સોમનાથનું પુન: નિર્માણનો સંકલ્પ
લીધો હતો.
આ અવસરે મુખ્યમંત્રીએ આરઝી હુકુમતના
સ્વાતંત્ર્ય સેનાનીઓ જેમણે જૂનાગઢની આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
તેમના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
જૂનાગઢની નાગરિક સેવાઓના પ્રોજેક્ટ
માટે જૂનાગઢના સાધુ-સંતોએ રૂ.51 લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો. નાગરિક સેવાઓમાં
જનભાગીદારીની આ પહેલને સૌએ સહર્ષ વધાવી આભારની લાગણી પ્રગટ કરી હતી.
જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ
જૂનાગઢ મુક્તિ દિવસના અવસરે યોજાઈ રહેલી યુનિટી માર્ચના અવસરે સૌને આવકારી 8.6 કિલોમીટરની
આ પદયાત્રામાં એક ભારત, શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારતની હર ઘર સ્વદેશીના મંત્રને ચરિતાર્થ
કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢની આ પદયાત્રા હજારો નાગરિકોની ઉપસ્થિતિ અને રાષ્ટ્રીય
એકતાના ભાવ સાથે યાદગાર બની હતી. મુખ્યમંત્રી પણ બહાઉદીન કોલેજથી યાત્રામાં જોડાઈને
રૂટ પર વિવિધ સમાજ સંસ્થાઓના સાંસ્કૃતિક પ્લેટફોર્મ પર સૌનું અભિવાદન કર્યું હતું.
જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ તથા
જીઆઇડીસી અને અન્ય એસોસિએશનના આગેવાનો દ્વારા પરંપરાની જાળવણી કરતા બહાઉદીન કોલેજ ખાતે
આવેલા આરજી હુકુમત સ્મારક સ્તંભને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તથા સરદાર પટેલની
150ની જન્મ જયંતી અવસરે યોજાયેલી યુનિટી માર્ચ પદયાત્રાનું રાણાવાવ ચોક ખાતે સ્વાગત
અને સન્માન કરવામાં આવ્યું હતું.