અમદાવાદ, તા. 10: ગુજરાતમાં સામાન્ય રીતે દિવાળી બાદ ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ, આ વર્ષે દિવાળી સમયે પણ માવઠાની અસર જોવા મળી હતી. જો કે, હવે છેલ્લા અઠવાડિયાથી સવાર-સાંજ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીના ચમકારાનો અનુભવ થઇ રહ્યો છે. દ્વારકાને બાદ કરતા તમામ શહેરોમાં 20 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું. જેમાં રાજ્યમાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા અને ગાંધીનગર શહેર સૌથી ઠંડા રહ્યા હતા. આ ઉપરાંત 15 ડિગ્રીથી નીચે જોઇએ તો અમરેલીમાં 14.8, દાહોજમાં 11.6, ડાંગમાં 13.2, દીવમાં 14.5 ડિગ્રી સેલ્સીયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.
એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે, જેમાં પવનની
દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વની થતાં ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતાં તાપમાન ઘટવાની
આગાહી કરવામાં આવી છે. મોટા ભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે.
અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ભાવનગર: ગોહિલવાડ પંથકમાં ઠંડીનું
પ્રમાણ વધતાં શિયાળો જામી રહ્યો છે. આજે સોમવારે ભાવનગર શહેરમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન
નોંધાયું હતું. ઠંડી વહેલી સવારે અને રાત્રે
વધુ અનુભવાય છે. આજે ભાવનગરમાં મહત્તમ તાપમાન 30.3 ડિગ્રી રહ્યું હતું જ્યારે લઘુતમ
તાપમાન 16.1 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45% રહ્યું હતું ત્યારે
પવનની ઝડપ 6 કી.મી. પ્રતિ કલાકની રહી હતી.
અમરેલી: જિલ્લામાં દિવાળી પછી
પડેલા ભારે કમોસમી વરસાદ બાદ હવે શિયાળાની શરૂઆત થવા પામી છે. ત્યારે અમરેલીમાં આજે
સૌ પ્રથમ વખત તાપમાન 15 ડિગ્રીથી નીચે આવી જતાં લોકોએ પ્રથમ વખત ગુલાબી ઠંડીનો અનુભવ
કર્યો હતો. આજની ગુલાબી ઠંડીમાં બાળકો પણ નવા નવા રંગબેરંગી ગરમ કપડાં પહેરી સવાર સવારમાં
સ્કૂલ જતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોએ પણ શિયાળાની
પ્રથમ ઠંડીની મોજ માણતા જોવા મળ્યા હતા. અમરેલીનું લઘુતમ 14-5 ડીગ્રી નોંધાયું હતું
જ્યારે ગિરકાંઠાના ધારી ગામે 15 ડિગ્રી નોંધાયું છે.