• બુધવાર, 12 નવેમ્બર, 2025

માવઠાંથી અસરગ્રસ્ત પાંચ જિલ્લાના ખેડૂતોને મળશે વિશેષ પેકેજનો લાભ ક્ષ જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને થરાદ-વાવના ખેડૂતોને ફાયદો થશે

રાજકોટ,તા.10 (ફૂલછાબ ન્યૂઝ) : માવઠાંને લીધે ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાનને પગલે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. જોકે 9મીએ જાહેર થયેલા ઠરાવ પ્રમાણે વધારે વરસાદવાળા જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ એમ કુલ 5 જિલ્લાના ખેડૂતો માટે વિશેષ જાહેરાતો થઇ છે.

આ જિલ્લાઓમાં જે ખેડૂતોના પાકને 33 ટકા કે તેનાથી વધારે નુક્સાન થયું છે તેમને બહ્નવર્ષાયુ બાગાયતી પાકો માટે મહત્તમ રૂ. 27,500 પ્રતિ હેક્ટર સુધીની સહાય મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. ઉપરાંતવાવ-થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે રૂ. 20,000 પ્રતિ હેક્ટરની વધારાની વિશેષ સહાય પણ જાહેર કરવામાં આવી છે. સહાય મેળવવા માટે એઆરપી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની છે. 

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઠરાવ પ્રમાણે પેકેજની રકમ એસડીઆરએફ અને રાજ્યના બજેટમાંથી અપાશે. ઉક્ત પાંચ જિલ્લામાં 33 ટકા કરતા વધારે નુકસાન થયાનું સાબિત થશે તેવા ખેડૂતને મળશે.

પાક નુકસાનના પ્રકારના આધારે સહાયના દરો નક્કી કર્યા છે, જે મહતમ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે. બિનપિયત ખેતી પાકો માટે રૂ. 22,000 પ્રતિ હેક્ટર નક્કી કરાયા છે. વર્ષાયુ-પિયત પાકો માટે પણ કુલ રૂ. 22,000 પ્રતિ હેક્ટર મળશે. બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે સૌથી વધુ રૂ. 27,500 પ્રતિ હેક્ટર મળશે. જો કોઈ ખેડૂત ખાતેદારને નિયત ધોરણો મુજબ મળવાપાત્ર સહાયની રકમ રૂ.5,000 કરતાં ઓછી થતી હોય, તો પણ તેમને ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ.5,000 ચૂકવવામાં આવશે. વાવ-થરાદ જિલ્લામાં કુલ 298 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાટણમાં 221 ગામ, કચ્છમાં 169 ગામ, જૂનાગઢમાં 106 ગામ તથા પંચમહાલમાં કુલ 10 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેકેજમાં વાવ-થરાદ અને પાટણ જિલ્લા માટે એક ખાસ જોગવાઈ ઉમેરવામાં આવી છે. આ વિસ્તારોમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેવાના કારણે જમીનમાં ક્ષાર જમા થઈ ગયો છે. શિયાળુ વાવેતર થઇ શકે તેમ નથી. પરિણામે રાજ્ય બજેટમાંથી રૂ.20,000 પ્રતિ હેક્ટર લેખે વધારાની વિશેષ સહાય ચૂકવવામાં આવશે. વધારાની સહાય 2 હેક્ટરની મર્યાદામાં મળશે.

સહાય મેળવવા માટે 1 નવેમ્બર કે તે પછીની સ્થિતિએ ખેતરમાં પાણી ભરાયેલ હોય તેવા સરવે નંબરનો જીઓ-ટેગ ફોટોગ્રાફ ડીસીએસ -કૃષિ પ્રગતિ મોબાઈલ એપ પર અપલોડ કરીને અરજી સાથે પુરાવા તરીકે રજૂ કરવાનો રહેશે.

આ રાહત પેકેજનો લાભ મેળવવા માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે. ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર પર વીસીઇ-વીએલઇ મારફત કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. લાભ સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને મળવાપાત્ર રહેશે નહીં.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક