રાજકોટ, તા.11 (ફૂલછાબ ન્યૂઝ) : મગફળીની આવક વધીને ત્રણ લાખ ગુણીની સપાટીને પાર કરી ગઇ છેને બીજી તરફ સરકારી ખરીદીનો આરંભ બે દિવસથી થયો છે. બે દિવસ દરમિયાન હજુ અલ્પ સંખ્યામાં ખેડૂતોને વેચાણ માટે બોલાવવામાં આવી રહ્યા છે. જોકે ખેડૂતોની ઓછી સંખ્યાને લીધે હાલ કોઇ સમસ્યા થઇ નથી પણ મગફળી વેચવા આવનારા ખેડૂતોને આવનારા દિવસોમાં નબળા ઉતારા, ગુણવત્તા અને ભેજ સહિતના પ્રશ્નો વેચાણ કેન્દ્રો પર સર્જાય તેવી શક્યતા છે.
ગુજરાત સરકારે અગાઉની જાહેરાત
પ્રમાણે 9 નવેમ્બરથી ટેકાના ભાવથી મગફળી ખરીદીનો આરંભ કર્યો છે. રવિવારે પ્રથમ દિવસે
ટોકન પૂરતી ખરીદી થઇ હતી. જોકે સોમ અને મંગળવારે પણ અલ્પ સંખ્યામાં ખેડૂતોને બોલાવવામાં
આવ્યા હતા. સરકારી સૂત્રોએ કહ્યું હતુ કે પાંચ સાત દિવસમાં ખરીદીનું કામકાજ જોરશોરથી
ચાલુ થઇ જશે.
કિસાન સંઘના વિઠ્ઠલભાઇ દુધાત્રા
કહે છે, અત્યારે તો સેમ્પલ જેવી ખરીદી થાય છે એટલે કોઇ સમસ્યા ખેડૂતોને નડતી નથી. જોકે
એસએમએસ કર્યા પછી બે દિવસમાં અનેક ખેડૂતો હાજર રહ્યા નથી. ખેર, વેચાણ વખતે પલળી ગયેલી
મગફળી છે તેમાંથી થોડો જથ્થો પણ વેચાણ માટે લઇ જવામાં આવશે તો રિજેક્ટ થવાનો ભય છે.
એ જ રીતે નબળા ઉતારાવાળી મગફળી પણ જો ખેડૂત લઇ જશે તો ધક્કો ખાવો પડશે. ખેડૂતો સમજીને
ઉતારા ગણીને ઘેરથી મગફળી લઇ જાય તો સમસ્યા ટળશે.
મગફળીનો પાક મોટાભાગે ગીર સોમનાથ,
અમરેલી, મહ્નવા, રાજકોટ તથા જૂનાગઢ પોરબંદર વિસ્તારમાં વધારે વરસાદને લીધે અતિશય ખરાબ
થયો છે. ત્યાંના ખેડૂતોના માલ સરકારી ખરીદીમાં પાસ થશે કે કેમ તે મોટો સવાલ છે. પાથરા,
ઢગલો કરીને રાખેલી કે મોડાં વાવેતરની ન ઉપાડેલી મગફળીમાં પણ નુકસાન ઘણું થયું હોવાના
વાવડ છે. સરકાર દ્વારા સ્વસ્થ દાણાની ખરીદી થશે એટલે રિજેક્શનના પ્રશ્નો આજે નહીં તો
કાલે સર્જાશે એમ જાણકારો કહે છે.
દરમિયાન, મગફળીની આવક સોમવારે
અલગ અલગ માર્કેટ યાર્ડમાં કુલ મળીને સમગ્ર ગુજરાતમાં સવા ત્રણ લાખ ગુણી થઇ હતી. સળંગ
ચોથા દિવસે આવક નવા ઉંચા સ્તરે પહોંચી ગઇ હતી. આવક હોવા છતાં ભાવમાં સુધારો છે. મગફળીમાં
પણ અત્યારે સારી ક્વોલિટી સ્ટોકિસ્ટો અને બિયારણવાળા ખરીદી રહ્યા છે. મગફળીના ભાવ પણ
યાર્ડમાં સોમવારે વધુ રૂ. 30 ઉંચકાઇને રૂ.800થી 1250 રહ્યા હતા.
મગફળીમાં બગાડ પછી ઓછાં પાકના
અહેવાલો પણ ફરતા થઇ જતા સીંગતેલ બજારમાં સોમવારે વધુ તેજી થઇ હતી. સીંગતેલમાં સોમવારે
ડબે રૂ. 30નો ઉછાળો આવતા રૂ.2460-2510ના ભાવ થઇ ગયા હતા.