(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ,
તા. 11 : ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર હવે ગુજરાતના વાતાવરણ પર દેખાઈ
રહી છે. રાજ્યભરમાં ઠંડીના ચમકારાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર તરફથી ફૂંકાઈ રહેલા
સૂકા અને ઠંડા પવનોના કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાન
વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. બે દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. ત્યાર બાદ
ઠંડીનો ચમકારો વધશે.
હવામાન
વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી બે દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. ત્યાર
બાદ ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા તાપમાનમાં વધઘટ જોવા
મળશે. લઘુતમ તાપમાન 15થી 16 અને મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી સુધી રહેશે. હાલમાં રાજ્યમાં
વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
બપોરે
ગરમી પડતાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં
આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો
થઈ શકે છે અને રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે.
ગુજરાતમાં
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન મુજબ 12.2 ડિગ્રી તાપમાન સાથે દાહોદ શહેર સૌથી
ઠંડું રહ્યું છે. તો ડાંગમાં 12.9, જ્યારે અમરેલીમાં 14 ડિગ્રી સેલ્સિયસ મિનિમન તાપમાન
નોંધાયું છે. હાલ તમામ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 20 ડિગ્રી નીચે જતો રહ્યો છે.