(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ,
તા.11: ગુજરાતમાં કપાસની સીઝન હવે પૂરબહારમાં ખીલી છે. માવઠાંનો દોર પૂરો થયો છે અને
ઠંડી પડવા લાગતા માર્કેટ યાર્ડમાં આવક એકદમ વધી ગઇ છે. રોજબરોજ યાર્ડમાં ત્રણેક લાખ
મણ કપાસ અલગ અલગ મંડીઓમાં આવવા લાગ્યો છે. એ સાથે જિનીંગ પ્રવૃત્તિ પણ ધીરે ધીરે વેગ
પકડી રહી છે.
ગુજરાતમાં
સાડા ત્રણ સો કરતા વધારે જિનીંગ મિલોમાં અત્યારે ગાંસડી બાંધવાનું કામકાજ જોરશોરથી
ચાલી રહ્યું છે. ગુજકોટના અંદાજ પ્રમાણે ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં અર્થાત મોસમના
પ્રથમ માસમાં કુલ 4,78,150 ગાંસડી રૂ બાંધવામાં આવ્યું છે. ગયા વર્ષના 4,39,912 ગાંસડી
કરતા તે વધારે છે. જિનીંગ પ્રવૃત્તિમાં સક્રિય થઇ હોય તેવી મિલો સૌરાષ્ટ્રમાં અઢીસો
કરતા વધારે છે. ઉત્તર ગુજરાતમાં 66 જિનો શરૂ થઇ ગઇ છે. ગુજરાતમાં ચાલુ મોસમમાં 72 લાખ
ગાંસડી બંધાશે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે. એ જોતા કુલ 8 ટકા જેટલો કપાસ જિન થઇ ગયો
છે. પાછલા વર્ષમાં 76.95 લાખ ગાંસડી જિનીંગ થયું હતું. ઢસા, બોટાદ, ધ્રાંગધ્રા અને
ટંકારા તરફ જિનીંગ મિલો ખૂબ જ સક્રિયતાથી કામકાજ કરી રહી છે.
દરમિયાન
કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયાએ સમગ્ર દેશના પાક ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે. એ પ્રમાણે દેશભરમાં
305 લાખ ગાંસડીનું ઉત્પાદન થવાની ધારણા છે. સંસ્થાએ ગુજરાતમાં 72 લાખ ગાંસડીનો અંદાજ
વ્યક્ત કર્યો છે. ગયા વર્ષ કરતા તેમાં 3 લાખ ગાંસડીનો ઘટાડો થશે.
ગુજરાતભરમાં
દિવાળી પછી થયેલા માવઠાંને લીધે કપાસની ગુણવત્તા અને પકાના પાકને ભારે માઠી અસર થઇ
છે. સરકારે પેકેજની જાહેરાત કરી છે પણ તેનાથી કળ વળે તેમ નથી. માર્કેટીંગ યાર્ડમાં
ખેડૂત માલની પુષ્કળ આવક વર્તમાન સમયે થવા લાગી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં કુલ મળીને આશરે
ત્રણ લાખ મણ કે તેનાથી વધારે આવક થાય છે. જોકે 70 ટકા માલ વરસાદથી અસરગ્રસ્ત થયેલા
આવે છે. સારી ગુણવત્તાના માલ એકાદ મહિના પછી આવવાની ધારણા છે. જોકે કપાસથી કંટાળીને
ઘણા ખેડૂતોએ હવે અન્ય પાકનું વાવેતર શિયાળુ મોસમમાં કરવા માટે જમીન તૈયાર કરવા લાગી
છે. ઠંડીનો આરંભ થઇ જતા હવે શિયાળુ પાકના વાવેતર ઝડપભેર શરૂ થઇ રહ્યા છે. કપાસનો ભાવ
માર્કેટ યાર્ડમાં રૂ. 1200-1550 સુધી ચાલે છે.