• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

માંગરોળ-ઉનામાં કાશ્મીરથી આવેલા 5 શંકાસ્પદની અટકાયત

માંગરોળમાંથી બે અને નવાબંદરમાંથી ત્રણ કાશ્મીરી શંકાસ્પદની પૂછપરછ : મદ્રેસામાંથી ફાળો ઉઘરાવતા હોવાનું સામે આવ્યું

જાહેરનામાનો ભંગ કરવાના ગુના સબબ નવા બંદરના મદરેસાના મૌલવીની પણ અટકાયત

રાજકોટ, તા.13: દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક આતંકવાદીઓ દ્વારા કારમાં બ્લાસ્ટ કરવાની ઘટનાના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશની પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે. ગુજરાતમાં પણ દરેક જિલ્લાની પોલીસ દ્વારા વાહનોનું તેમજ હોટલોમાં સઘન ચાકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગિર-સોમનાથના નવા બંદર અને માંગરોળમાંથી 5 શંકાસ્પદ કાશ્મીરીઓની ઝડપી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, જૂનાગઢ એસઓજીને બાતમી મળતાં માંગરોળ શહેરમાં ખાનગી હોસ્પિટલ નજીકથી બે શંકાસ્પદ કાશ્મીરી યુવકોની અટકાયત કરવામાં આવી છે અને તેને પૂછપરછ માટે જૂનાગઢ એસઓજી ખાતે લાવવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ બન્ને કાશ્મીરી શખસો માંગરોળ તેમજ આસપાસની મદ્રેસાઓમાંથી ફાળો ઉઘરાવતા હતા. ન્યાઝ અહેમદ સ/ઓ મહમદ આઝાદ મકરાણી ઉ.વ. 20 અને જુનેદ અહેમદ સ/ઓ મહમદ આઝાદ મકરાણી ઉ.વ. 27, ગામ ફાગલા, તા. સુરનકોટ, જી. પુંછ જમ્મુ કાશ્મીર બન્ને કાશ્મીરી ભાઈઓ ટ્રેન મારફત માંગરોળ પહોંચ્યા હતા અને અહીં એક હોટેલમાં રોકાયા હતા. આ બન્ને શંકાસ્પદ યુવકોના ગુજરાતમાં આવવાના હેતુ, તેમની પ્રવૃત્તિઓ અને દિલ્હી બ્લાસ્ટ સાથે સંભવિત જોડાણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉના: ગિર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદરમાં પોલીસે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. કાશ્મીરથી આવેલા આ શખસો એક મસ્જિદમાં રોકાયા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મકસુદ અહેમદ ખાલીદ હુશેન (ઉં.વ.37) ધંધો ખેતી તથા મસ્જિદમાં હેલ્પર તરીકે રહે મોહરા બસિયા ગામ તા.સુરનકોટ જી.પુછ (જમ્મુ કશ્મીર) તથા મકસુદ અહેમદ અબ્દુલ લતીફ (ઉં.વ.31) ધંધો મદ્રેસામાં પ્રાઇવેટ નોકરી રહે, મોહરા બચાઇ ગામ ધર નં.62 તાલુકો જિલ્લો પુછ

(જમ્મુ કશ્મીર) તેમજ જાવેદ એહમદ મહમદ રસીદ ચૌહાણ (ઉં.વ.40) ધંધો ખેતી તથા મદ્રેસામાં પ્રાઇવેટ નોકરી રહે, ચંડકગામ જિલ્લો/તાલુકો પુછ જમ્મુ કાશ્મીરવાળાની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ મામલે ત્રણેય કાશ્મીરીઓને કોઈ પણ જાતના પુરાવા વિના આશરો આપનારા નવા બંદર સ્થિત મદીના મસ્જિદના મૌલવી મહમદઅમીન આજમમીયા બહારૂની વિરુદ્ધ પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને ઝડપી પાડવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક