• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

રીંગણાનો ફાલ બગડી જતા છૂટકમાં ઐતિહાસિક ઊંચા ભાવ

તળાજાના પ્રખ્યાત રીંગણા સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પહોંચે છે: કિલોનો ભાવ રૂ. 200

તળાજા, તા.13(ફૂલછાબ ન્યૂઝ) શિયાળો બેસે એટલે ગોહિલવાડમાં આખા રીંગણાંનું શાક અને ઓળાની રિમાન્ડ વધી જાય છે. તળાજા પંથકના અને એક સમયે ગોરખીના ને હવે દરિયાઇ પટ્ટીના ગામડાના રીંગણાંની મીઠાશ જ સ્વાદ પરખું ને અહીં ખેંચી લાવે છે. એટલે તળાજાના રીંગણાંની માગ જિલ્લા ભરમાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી રીંગણાના ભાવ ઐતિહાસિક સપાટી વટાવી રહ્યા છે.

કમોસમી વરસાદ સતત અઠવાડિયું વરસ્યો જેની અસર શાકભાજી ના ઉત્પાદન પર તળાજા પંથકમાં પડી છે. ઓછું ઉત્પાદન થવાના કારણે તળાજાની માર્કેટમાં તુવેર, વાલોળ, ચપટા, ગાજર, દેશી ટમેટા અને તાંજળીયો, મેથી અને પાલકની ભાજી ઓછી આવે છે. શિયાળામાં તળાજાના રીંગણાની માગ સૌથી વધુ હોય છે તે રીંગણીમા ફૂલ ખરી જવાના કારણે સાવ થોડા આવે છે.

રીંગણા હોલસેલ ભાવે રૂ.145 ના ભાવે જઇ રહ્યા છે.જે છૂટક માર્કેટમાં રૂ.200 સુધીમાં વેચાય છે. ઓળાના રીંગણા રૂ.180ના કિલો એ વેચાય છે. હાલ જે રીંગણા આવી રહ્યા છે જેનો સ્વાદ દાઢે રહી જાય તેવો છે તે ગોપનાથ પટ્ટીના રેલિયા, ઝાંઝમેર, પીથલપૂર તરફથી આવે છે.

રીંગણાની ડિમાન્ડને લઈ જેસર, પાલિતાણા અને ભાવનગરથી આવે છે તેનો ભાવ ઓછો હોય છે જેને પાર્સલના રીંગણા તરીકે વેપારીઓ સંબોધે છે. માત્ર રીંગણા જ મોંઘા છે તેવું નથી. આ વિસ્તારમાં ખાસ કરીને સરતાનપર, ખંઢેરા જેવા દરિયાઈ વિસ્તારની વાડીઓમાં પાકતા તુવેર,ચપટા ની આવક પણ ઓછી છે.લીલી વાલોળ ને પાણી લાગી ગયું હોય ડાઘ વાળીને બગડેલી આવે છે. વેપારીઓ જાણીતા ગ્રાહકને આપતા અચકાય છે. છતાંય કિલોના  રૂ.100થી નીચેના ભાવે મળતાનથી.માવઠા નો માર તાંજળીયો, મેથી પાલક કોથમીર અને મૂળા ને પણ પડયો છે. જેને કારણે રૂ.20-30ની જુડી એ વેચાય છે. દેશી ગાજર અને દેશી ટમેટા હજુ આવતાજ નથી. શાક માર્કેટમાં બે પેઢીથી ધંધો કરતા અજય મકવાણા ખાસ રીંગણાના વેપારી તરીકે ઓળખાય છે. તેઓ સસ્તા હોય કે મોંઘા રીંગણાનો વેપાર કરે છે. તેઓએ જણાવ્યું હતું આવો ભાવ ભૂતકાળમાં ક્યારેય બોલાયો નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક