રાજકોટ, તા.13: શિયાળાની મંદ મંદ ઠંડીનો આરંભ થઇ ચૂક્યો છે. સવાર અને મોડી રાતનું વાતાવરણ ઠંડું પડવા લાગતા ખેડૂતોએ શિયાળુ મોસમના પાકની વાવણી ચાલુ કરી છે. તાજેતરના માવઠાંના માર પછી હજુ ઠેકઠેકાણે ખેતરોમાં ભેજનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આમ ઘઉં અને ચણા જેવા પાક માટે સ્થિતિ સારી છે પણ જીરૂ અને ધાણા જેવા નાજુક પાક માટે હજુ વાવેતરની પરિસ્થિતિ બની નથી.
ગુજરાતના કૃષિ ખાતાએ વાવણીની
વિગત જાહેર કરી છે. એ પ્રમાણે 10 નવેમ્બર સુધીમાં કુલ 2.72 લાખ હેક્ટરમાં વાવેતર થઇ
ચૂક્યું છે. પાછલા વર્ષના આ સમયગાળામાં 3 લાખ હેક્ટરમાં વાવેતર હતુ. વાવેતર પાછળ છે
કારણકે હજુ ઠેકઠેકાણે માવઠાં પછી ખેતર તૈયાર થયા નથી. પંદરેક દિવસ પછી ઠંડી વધશે અને
પરિસ્થિતિ પણ સુધરશે એટલે વાવેતરની કામગીરીમાં વેગ આવશે.
શિયાળુ પાકમાં મોખરે રહેતા ઘઉંના
વાવેતરમાં આરંભથી વેગ દેખાય છે. અત્યાર સુધી
9,859 હેક્ટરમાં વાવેતર થઇ ગયું છે. પાછલી મોસમમાં 7,604 હેક્ટર હતુ. ઘઉંના પાક માટે
પુષ્કળ પાણી ઉપલબ્ધ છે એટલે વાવેતરમાં કોઇ કચાશ રહેશે નહીં એમ ખેડૂતો કહે છે. ઘઉંના
ભાવ પણ સારા મળી રહ્યા છે. જાડાં ધાન્યોમાં મકાઇ અને જુવારનું વાવેતર 24,052 હેક્ટરમાં
થઇ ચૂક્યું છે. એ પણ સાત હજાર હેક્ટર જેટલું વધારે છે. ચણાનું વાવેતર પણ ઘઉંની માફક
વેગથી થયું છે. પાણીની સગવડ છે અને ઘઉં સિવાયના વિકલ્પો શોધતા ખેડૂતોએ ચણા પસંદ કર્યા
છે. ગુજરાતમાં 37,100 હેક્ટરમાં ચણાનું વાવેતર થઇ ગયું છે. ગયા વર્ષ કરતા અઢી ગણો વિસ્તાર
અત્યારે થયો છે. રાયડાના વાવેતરમાં ખેડૂતોને રસ ઘટી રહ્યો છે. 58,707 હેક્ટરમાં વાવણી
થઇ છે. જે ગયા વર્ષમાં 75,834 હેક્ટરમાં રહી હતી.
જીરૂના વાવેતરમાં થોડો વેગ દેખાય
છે. જોકે વાવેતર અત્યારે નજીવું ગણાય તેવું છે. રાજ્યમાં 3,716 હેક્ટરમાં વાવેતર થયું
છે. જે ગયા વર્ષમાં 1,174 હેક્ટરમાં થયું હતુ. જીરૂના ભાવ બે વર્ષથી મંદીમાં છે અને અત્યારે તળિયે હોવાને લીધે ખેડૂતોનો
રસ ઉડી ગયો છે. વાવેતરમાં 25 ટકાના કાપની ગણતરી છે. સરેરાશ 3.80 લાખ હેક્ટરમાં વાવણી
થતી હોય છે. ગયા વર્ષમાં 5.61 લાખ હેક્ટર વાવેતર રહ્યું હતુ.
ધાણાનો વિસ્તાર 382 હેક્ટર સામે
1,066 હેક્ટર સુધી પહોંચ્યો છે. લસણના વાવેતરની હજુ શરૂઆત જ થઇ છે. એ રીતે સુવા, ઇસબગુલ,
વરિયાળી અને ડુંગળીનો આરંભ જ થયો છે.
ડુંગળીના ભાવમાં વ્યાપક મંદી
જોતા વાવેતર 75 હજાર હેક્ટરની સરેરાશ સુધી પહોંચે છેકે કેમ તે જોવાનું છે. બટાટાનું
વાવેતર ખૂબ સારી રીતે થઇ રહ્યું છે. ભાવ સારાં મળવાને લીધે ખેડૂતોએ અત્યાર સુધીમાં
18,214 હેક્ટરમાં વાવેતર કરી લીધું છે. ગયા વર્ષમાં બે હજાર હેક્ટર સુધી પણ વાવણી પહોંચી
ન હતી. શાકભાજી અને ઘાસચારાના વાવેતર પ્રમાણમાં ઓછાં છે.