• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

રો- રો ફેરી સર્વિસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : 30.54 લાખનો દારૂ પકડાયો ઘોઘા ઉતરેલી ટ્રકના ચોરખાનામાંથી 2364 બોટલ દારૂ મળ્યો, બેની ધરપકડ

ભાવનગર, તા.30: ભાવનગરની પેરોલ ફર્લો સ્કવોડ ટીમને મળેલી બાતમીને પગલે ઘોઘા રો-રો ફેરી સર્વિસમાં આવેલા ટોરસ ટ્રકને ઉભો રાખીને તપાસ કરતા ટ્રકમાં ઇલેકટ્રીક સામાનના આડમાં લાવવામાં આવેલો દારૂનો મસમોટો જથ્થો ઝડપી લીધો  હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ઘોઘા તાલુકાની રો -રો ફેરી  સર્વિસના માર્ગ ઉપર પેટ્રોલિંગમાં હતી. ટીમને બાતમી મળી હતી કે, ઘોઘા રો-રો ફેરી સર્વિસમાં એક ટ્રકમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે. જેને પગલે  પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટ્રક આવતા તે ટ્રકને ઉભો રાખીને તેના ચાલકનું નામ પુછતા ચાલકે પોતાનું નામ અર્જુન બંસીલાલ નટ જ્યારે તેની બાજુની સીટમાં બેઠેલા શખસનું નામ પૂછતા તેને વિક્રમસિંહ લક્ષ્મણસિંહ દેવડા (રહે. બંને રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. જો કે બંનેને નીચે ઉતારીને પાછળના ભાગમાં રાખવામાં આવેલો માલ સામાન ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે પૂઠામાં રાખેલા ઇલેકટ્રીક સામાનના ખોખા નજરે પડયા હતા. જો કે ત્યાર બાદ પોલીસે ટ્રક ઉપર ચડીને  તપાસ કરતા કેબીનના અંદરના ભાગમાં ચોરખાનામાંથી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે રૂ.30,54 લાખની કિંમતની વિદેશી દારૂની 2364 બોટલ કબજે કરી બંનેની ધરપકડ કરી હતી. બંનેની પુછપરછમાં આ દારૂનો જથ્થો ગોવાથી અમરસિંહ નવલસિંહ અને રઘુવીરસિંહ શંકરસિંહ નામના શખસો પાસેથી લઇને સુરતના રાજુ નામના શખસને પહોંચાડવાનો હોવાની કબૂલાત આપી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક