• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

ગોંડલ પંથકમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મામલે બબાલ : ચારેય કેન્દ્ર બંધ

આપના નેતા જીગીશા પટેલ બિનજરૂરી દખલ કરતા હોવાના આક્ષેપ સાથે ચારેય કેન્દ્રના પ્રતિનિધિઓ આજે મામલતદારને આવેદન આપશે

મગફળીના જોખમાં ગોલમાલ થયાની રજૂઆત કરવા જતા મોબાઈલ ઝૂંટવી લઈ માર માર્યાનો મોવિયાના ખેડૂતનો આક્ષેપ

ગોંડલ,તા.30: ગોંડલ પંથકમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં જોખમાં ગોલમાલ થતી હોવા મામલે બબાલ થઈ છે. મોવિયાના ખેડૂતે રજૂઆત કરવા જતા મોબાઈલ ઝૂંટવી માર માર્યાનો આક્ષેપ કર્યો છે. જ્યારે બીજી તરફ આપના નેતા જીગીશા પટેલ બિનજરૂરી દખલ કરતા હોવાના આક્ષેપ સાથે ચારેય કેન્દ્ર ઉપર મગફળીની ખરીદી પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે અને ચારેય કેન્દ્રોના પ્રતિનિધિ સોમવારે મામલતદારને આ મામલે આવેદન આપશે.

બે દિવસ પહેલા બિલીયાળા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રમાં પહોંચેલા જિગીશા પટેલે મગફળીનાં જોખમાં ગોલમાલ થઇ રહ્યાનો આક્ષેપ કરી આ અંગે વિડીયો વાયરલ કર્યો હતો. દરમ્યાન મોવિયાનાં વિમલભાઈ સોરઠીયાએ રજુઆત કરવા જતા સાત થી આઠ લોકોએ માર માર્યાની ફરિયાદ સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. વિમલભાઇનું કહેવું હતુ કે અમે જોખમાં અન્યાય થઇ રહ્યો હોય રજુઆત કરવા જતા મારો મોબાઇલ ઝૂંટવી લઈ મારી ઉપર હુમલો કર્યો હતો.

બીજી બાજુ બિલીયાળા કેન્દ્રનાં પ્રતિનિધિ દિપકભાઈ ઉર્ફ લાલાભાઇ રૂપારેલીયાએ એવુ જણાવ્યું કે બિલીયાળા કેન્દ્ર પર મગફળીની ખરીદી શાંતિ પુર્વક થઇ રહી હતી. આ સમયે મોવિયાનાં વિમલભાઇએ પ્રથમ નજીકની હોટલ પાસેથી રેકી કરી જિગીશા પટેલને ફોન કરી બોલાવ્યાં હતા. જ્યા જિગીશા પટેલે ખોટી રીતે દખલગીરી કરી વાતાવરણ બગાડ્યું હતું અને વિડીયો ઉતાર્યા હતાં.અન્ય કોઈ ખેડુતોને કોઈ સમસ્યા હતી નહી.માત્ર જિગીશા પટેલે જ ખેડુતો પાસે સસ્તી લોકપ્રિયતા મેળવવા હોબાળો કર્યો હતો.

જાગિશા પટેલનાં ચુંટણીલક્ષી સ્ટંટનાં વિરોધમાં ગોંડલનાં બિલીયાળા, કોલીથડ, જામવાડી અને તાલુકા સંઘનાં ખરીદ કેન્દ્રો બંધ કરાયા છે અને જિગીશા પટેલની વારંવારની દાદાગીરી સામે સોમવારે મામલતદારને આવેદનપત્ર અપાશે. હાલ તાલુકા પોલીસે વિમલભાઇ સોરઠીયાને માર મારવાની ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક