22 કરોડના બદલે 121 કરોડના બોગસ બિલો બનાવીને જીએસટી વિભાગને મોટો ચૂનો ચોપડયો
જામનગર,
તા.1: જીએસટી વિભાગના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ઇન્ટેલીજન્ટસના અમદાવાદ ઝોનલ યુનિટે બાતમીના
આધારે ભાવનગર, અમદાવાદ, મુંબઇ, ચંદ્રપુર અને રાજકોટમાં ગુપ્ત રાહે તપાસ કરી અંદાજે
રૂ.800 કરોડના બોગસ જીએસટી ઇન્વોઇસના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ મસમોટા જીએસટી
કૌભાંડમાં ડીજીજીઆઇ દ્રારા બદ્રે આલમ પઠાણ અને તોફીક ખાનની અમદાવાદથી ધરપકડ કરી તેની
પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં તોફીકે વાસ્તવિક રીતે કોઈપણ માલની ખરીદી કર્યા વિના
ખોટી વેરાસાખ મેળવવા માટે રૂ. 45 કરોડના નકલી બીલ મેળવ્યાનું ખુલ્યું હતું.
ભાવનગર,
મુંબઈ, ચંદ્રપુર, અમદાવાદ, રાજકોટમાં અનેક સ્થળોએ શોધખોળ દરમ્યાન અધિકારીઓએ ઘણી સેલ
કંપનીઓની વિગતો જીએસટી નોંધણી સાથે જોડાયેલા મોબાઇલ ફોન, બેન્ક ખાતાની અને રોકડ વ્યવહાર
સહિતની વિગતો સાથે અનેક ગુનાહીત સામગ્રી કબ્જે કરી હતી. અન્ય કેસમાં ડીજીજીઆઇએ જૂનાગઢની ભારત સેનેટરી એન્ડ
ફીટીંગના ભાગીદાર હાદિર્ક સંજયભાઇ રાવલની બોગસ જીએસટી બિલ, ખોટી વેરાશાખ મેળવવામાં
ધરપકડ કરી હતી, તેમણે કોઇપણ માલની ખરીદી કર્યા વિના 47 નકલી કંપનીએ જાહેર કરેલા
110.57 કરોડ રૂપિયાના બોગસ બિલના આધારે છેતરપિંડી કરી રૂ.28.02 કરોડની વેરાશાખ મેળવ્યાનું
ખુલ્યું હતું.
જામનગરની
પટેલ મેટલ કાષ્ટ એલએલપીના ભાગીદાર જયદીપ મુકેશભાઇ વિરાણી કે જે આ સમગ્ર કરોડોના કૌભાંડનો
મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલતાં ડીજીજીઆઇએ તેમની પણ ધરપકડ કરી છે, જેના કારણે જામનગરના
ઉદ્યોગ જગતમાં ચકચાર મચી ગઈ છે. ડીજીજીઆઇની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો એ ખુલી છે
કે આ કૌભાંડમાં સક્રિય જીએસટી આઇએન ધરાવતી નિક્રિય કંપનીઓ ખરીદવા આ કંપનીના ડિરેક્ટરો
અને સરનામા બદલવા મોટાપાયે નકલી બિલ બનાવવા અને હવાલા તથા અન્ય સંવેદનશીલ રેકર્ડ દ્વારા
બાંકિંગ વ્યવહારો અને રોકડની હેરફેર કરવામાં આવતી હતી.