• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

બીએડ થયેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્રગ્સ વેચતા ઝડપાઈ

35.77 લાખનું ડ્રગ્સ કબજે, ચાર મહિનાથી મહિલાનો ભાઈ રાજસ્થાનથી ડ્રગ્સ મોકલતો

અમદાવાદ, તા. 1: અમદાવાદના વાડજ વિસ્તારમાંથી બીએડ થયેલી મહિલા અને તેનો પતિ ડ્રગ્સ સાથે પકડાયા છે. આરોપી પતિ પત્ની મૂળ રાજસ્થાની છે જેથી ત્યાંથી ડ્રગ્સ લઈને અમદાવાદમાં વેચતા હતા. મહિલાનો ભાઈ પણ રાજસ્થાનથી ડ્રગ્સ મોકલતો હતો, જે દંપતી ચાર મહિનાથી અમદાવાદમાં વેચતા હતા. પોલીસે 35.77 લાખમાં ડ્રગ્સ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 36.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના વાડજમાં અખબારનગર સર્કલ નજીક ખત કોલોનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં ભાડાના મકાનમાં રહેતા 28 વર્ષીય કમલેશ બિશ્નોઈ અને તેની પત્ની 24 વર્ષીય રાજેશ્વરી બિશ્નોઇને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દંપતી પાસેથી નેટ 357 ગ્રામ 750 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 35,77,500 રૂપિયા છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે રોકડા 22,800 રૂપિયાના બે મોબાઇલ ફોન, બે આધાર કાર્ડની નકલ, બેટરીવાળો વજનકાંટો, અને 53 નંગ પ્લાસ્ટિકની પારદર્શક ખાલી ઝીપર બેગ સહિત કુલ 36,40,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.  પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ પતિ-પત્ની છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદમાં છૂટક ગ્રાહકોને એમ.ડી. ડ્રગ્સનો જથ્થો વેચી રહ્યા હતા. આ સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિમાં પકડાયેલી મહિલાનો મુખ્ય રોલ સામે આવ્યો છે. બીએડ સુધીનો અભ્યાસ કરેલી રાજેશ્વરી ડ્રગ્સની હેરાફેરીનું કામ કરતી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, મારા મામાનો દીકરો સુભાષ આ પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. સુભાષે મને આર્થિક લાભની લાલચ આપીને આ કામ માટે સહમત કરી હતી.

રાજેશ્વરીએ પોલીસ સમક્ષ કબૂલ્યું કે તે લગભગ પાંચથી છ વખત રાજસ્થાનના સાંચોર ખાતે જઈને ગેરકાયદે એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવેલી છે. તાજેતરમાં જ પાંચ દિવસ પહેલા તે બસમાં સાંચોર ખાતે તેના પિયરમાં ગઈ હતી. ત્યાં તેના મામાના દીકરા સુભાષે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતેથી લાવેલો એમડી ડ્રગ્સનો જથ્થો તેને આપ્યો હતો. આ જથ્થો અમદાવાદ લાવીને તે અને તેનો પતિ છૂટક વેચાણ કરતા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે એન.ડી.પી.એસ. એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક