15.64 લાખ ટનની ખરીદી : ખરીદીને ત્રણ મહિનાનો સમય પૂર્ણ
રાજકોટ, તા.8(ફૂલછાબ ન્યૂઝ) :
મગફળીની સરકારી ખરીદી પૂર્ણતાને આરે પહોંચવા આવી છે ત્યારે સમગ્ર રાજ્યમાં રેકોર્ડબ્રેક
પુરવઠો સરકારે ટેકાના ભાવથી ખરીદ્યો હોવાના આંકડા સામે આવ્યા છે. સરકારે રૂ. 11,360
કરોડની કિંમતની કુલ 15 લાખ 64 હજાર ટન મગફળી ખરીદી લીધી છે. ખેડૂતોને રૂ. 8,245 કરોડની
ચુકવણી થઇ છે.
ગુજરાતમાં 11 નવેમ્બરથી ટેકાના
ભાવે મગફળીની ખરીદીનો આરંભ કરવામાં આવ્યો હતો. ખરીદી આરંભ કર્યાને ત્રણ માસ પૂરાં થવા
આવ્યા છે. સરકારે રેકોર્ડબ્રેક 15.64 લાખ ટનની ખરીદી ટેકાના ભાવથી કરી લીધી છે. ચાલુ
વર્ષે 8 લાખ કરતા વધારે ખેડૂતોએ સરકારને મગફળી વેંચવા માટે નોંધણી કરાવી હતી. એમાંથી
6.92 લાખ ખેડૂતો પાસેથી ખરીદી સંપન્ન થઇ છે. ખૂલ્લા બજારમાં અનેક ખેડૂતોને સારાં ભાવ
મળ્યા હોવાથી સરકારી કેન્દ્રો પર વેચાણ માટે આવ્યા નથી. જોકે ખેડૂતોએ સલામતી માટે નોંધણી
કરાવી તે પણ રેકોર્ડબ્રેક હતી.
દિવાળી પછી માવઠાં થવાને લીધે
સૌરાષ્ટ્રમાં અનેક ખેડૂતોની મગફળી બગડી ગઇ હતી. જોકે સારી ગુણવત્તાની અછત થવાના ભયે
સ્ટોકિસ્ટો અને બિયારણવાળા વર્ગની ધૂમ ખરીદી થવાથી મગફળીમાં નોંધપાત્ર તેજી થઇ ગઇ છે.
સીઝન ખૂલ્યાં પછી આશરે રૂ. 200નો ભાવવધારો થવાથી ખેડૂતોને લાભ મળ્યો છે. એ કારણથી પણ
ઘણા ખેડૂતોએ સરકારને મગફળી વેચી નથી. ખેડૂતોને માર્કેટ યાર્ડમાં સરેરાશ રૂ. 1200થી
1600 સુધીનો ભાવ મળ્યો છે.
મગફળીની સાથે મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ ટેકાના ભાવથી થઇ
રહી છે. અત્યાર સુધીમાં રાજ્યના 7.49 લાખ ખેડૂતો પાસેથી કુલ રૂ. 11,800 કરોડના મૂલ્યના
16.44 લાખ મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરાઈ છે. જેની સામે 5.44 લાખ ખેડૂતોને કુલ રૂ.
8,558 કરોડનું ચૂકવણું કરી દેવાયું છે.