• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે તબક્કાવાર લેવાશે GPSCની પ્રિલીમ પરીક્ષા વિવિધ 18 સંવર્ગની પ્રીલિમ પરીક્ષાની તારીખો જાહેર

અમદાવાદ, રાજકોટ, તા. 8:  ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા આગામી ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન તબક્કાવાર જુદા જુદા 18 સંવર્ગની ભરતી માટે પ્રિલીમિનરી પરીક્ષા લેવામાં આવશે. જીપીએસસીની આ જાહેરાતથી રાજ્ય સરકારની સેવામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોને રાહત થઈ છે સાથે પરીક્ષાની તૈયારી કરવાનું ચિત્ર પણ સ્પષ્ટ થયું છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2026 દરમિયાન યોજાનારી વિવિધ ક્લાસ-1 અને ક્લાસ-2 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરાઈ છે. તદઅનુસાર કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગોની પ્રિલીમિનરી પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન તબક્કાવાર યોજાશે. આ પરીક્ષાઓમાં વહીવટી, ટેક્નિકલ તેમજ શિક્ષણ અને વિશેષ સેવાઓનાં પદોનો સમાવેશ થાય છે. તારીખો જાહેર થતાં જ પરીક્ષાની તૈયારીમાં અગાઉથી કરી રહેલા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આયોગ દ્વારા જાહેર કરાયેલા શિડ્યૂલ મુજબ વહીવટી અને સચિવાલય સેવાઓમાં સચિવ (ક્લાસ-2), મદદનીશ વહીવટી અધિકારી (ક્લાસ-2) જેવા પદો માટે પરીક્ષા લેવામાં આવશે. ઉપરાંત ટેક્નિકલ અને વિશેષ સેવાઓ હેઠળ એમઆઈએસ મેનેજર (ક્લાસ-1 અને 2), પશુચિકિત્સા અધિકારી (ક્લાસ-2), મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી જેવા મહત્ત્વનાં પદોનો સમાવેશ થાય છે. શિક્ષણ અને અન્ય સેવાઓમાં ગુજરાત શિક્ષણ સેવા, નિયામક ગ્રંથપાલ, નાયબ માહિતી નિયામક તેમજ મદદનીશ ઉદ્યોગ કમિશનર માટે પણ પ્રાથમિક કસોટી યોજાશે. આ સિવાય ગુજરાત મત્સ્યોદ્યોગ સેવા અને સામાન્ય રાજ્ય સેવામાં વહીવટી અધિકારી (ક્લાસ-2) માટેની પરીક્ષાઓ પણ આ સમયગાળા દરમિયાન લેવામાં આવશે. જોકે જીપીએસસીના ચેરમેન દ્વારા સોશિયલ મીડિયા પર  જણાવાયું છે કે વર્ષ 2026નું સંપૂર્ણ ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક