અમદાવાદ, તા. 9: ગુજરાતમાં શિયાળો જામી ગયો છે અને આગામી 12 જાન્યુઆરી સુધી તાપમાન વધુ ઘટે તેવી શક્યતા સેવાઇ રહી છે. તેવામાં છેલ્લા કેટલાક દિવસથી લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, કચ્છનું નલિયા 4.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડું શહેર નોંધાયું છે. આ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ પારો ગગડીને 9.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેના કારણે રાત્રિના સમયે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના ડીસામાં પણ 10.1 ડિગ્રી તાપમાન સાથે ઠંડીનું જોર યથાવત રહ્યું છે, જ્યારે ભુજ અને અમદાવાદ જેવા શહેરોમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.
હાલમાં
ઉત્તર પૂર્વથી પવનો આવતા હોવાથી છંડીનો ચમકારો વધુ લાગશે પરંતુ 12 જાન્યુઆરી બાદ ઠંડીમાં
ઘટાડો થવાની આગાહી છે. બીજી તરફ, રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન
વચ્ચે મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતના ડાંગ અને સુરતમાં તાપમાનનો પારો
30 ડિગ્રીને પાર પહોંચતા દિવસે સામાન્ય ગરમીનો અનુભવ થયો છે, જ્યાં ડાંગમાં સૌથી વધુ
30.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 24થી
29 ડિગ્રીની વચ્ચે રહેતા મિશ્ર ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારો
જેમ કે ઓખા અને દીવમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી ઉપર રહેતા ત્યાં ઠંડીની અસર પ્રમાણમાં
ઓછી વર્તાઈ છે.
જૂનાગઢ
: સોરઠમાં છેલ્લા થોડા દિવસથી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતા સર્વત્ર ઠંડાગાર છવાયો છે.
ગિરનારમાં તાપમાનનો પારો 5.9 ડિગ્રીએ પહોંચતા પશુ પક્ષી નો કલરવ શાંત થઈ ગયો છે. પ્રવાસીઓ
થંભી ગયા છે, ગિરનાર સીડી સુમસામ બની ગઈ છે. કાતિલ ઠંડીથી બચવા માટે લોકો ઘરમાં પુરાઈ
રહ્યા છે. કાતિલ ઠંડીને પરિણામે બજારોમાં અસર વર્તાઈ રહી છે ગિરનાર પર્વતમાળા વિસ્તારમાં
તાપમાન સતત નીચે જતા કાશ્મીરની અનુભૂતિ થવા લાગી છે.
ભાવનગર:
ભાવનગરમાં લઘુતમ તાપમાન ઘટતા અને પવનની ઝડપ વધતા ઠંડીની તીવ્રતા વધી છે. ભાવનગરમાં
સીઝનમાં પહેલીવાર લઘુતમ તાપમાનનો પારો ગગડીને 13.8 ડિગ્રી એ પહોંચતા ઠંડીનો માહોલ જોવા
મળે છે.