અમદાવાદ, તા. 10: ગુજરાત આગામી 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આગામી 12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026નું આયોજન પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે.
આ પતંગ મહોત્સવમાં 50 દેશોના
135 આંતરરાષ્ટ્રીય ઉપરાંત ગુજરાત સહિત ભારતનાં 14 રાજ્યોમાંથી 936થી વધુ પતંગબાજો ભાગ
લેશે. આમ, કુલ મળીને 1071 પતંગ રસિયાઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ ઉડાડશે.
વધુમાં, પતંગ મહોત્સવની મુલાકાતે
આવતા નાગરિકો માટે 25 હસ્તકલા સ્ટોલ અને 15 ફૂડ સ્ટોલ પણ કાર્યરત રહેશે. જે સ્થાનિક
કલા, હસ્તકલા અને સ્થાનિક વ્યંજનોને પ્રોત્સાહન આપશે.
અમદાવાદ ખાતે 12 થી 14 જાન્યુઆરી
દરમિયાન યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની
વિવિધ પ્રકારની રંગબેરંગી મોટી પતંગો આકાશમાં લહેરાશે. જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર
બનશે. આ ઉપરાંત, 13 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રિ પતંગ ઉડાનનું આયોજન કરવામાં આવ્યું
છે.
પતંગ મહોત્સવ દરમિયાન અમદાવાદની વારસાગત સ્થાપત્ય
પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ
વૉક-વે પર રચાયેલું પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની સાથે-સાથે
સાંજે 7-00 વાગ્યાથી આયોજિત વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો નગરજનોને આકર્ષિત કરશે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
અમદાવાદ ઉપરાંત, 10 જાન્યુઆરીના રોજ રાજકોટ, સુરત અને કચ્છના ધોળાવીરા ખાતે, 11 જાન્યુઆરીના
રોજ વડનગર, શિવરાજપુર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અને 13 જાન્યુઆરીના રોજ વડોદરા ખાતે
યોજાશે.