• સોમવાર, 18 મે, 2026

તાલાલામાં 15 દિવસમાં જ કેરીનાં 1,10,550 બોક્સનું વેચાણ થયું

       એક બોક્સનો સરેરાશ ભાવ રૂ.740 રહ્યો, ખેડૂતોને આશરે રૂ.8 કરોડ 18 લાખ જેટલી આવક થઈ

તાલાલા, તા.3 : તાલાલા ગીર ખાતે માર્કાટિંગ યાર્ડમાં કેસર કેરીની સીઝન જોરશોરથી ચાલી રહી છે અને માત્ર 15 દિવસમાં જ નોંધપાત્ર વેપાર નોંધાયો છે. તા.19 એપ્રિલથી શરૂ થયેલી સીઝનમાં અત્યાર સુધીમાં 10 કિલોના કુલ 1 લાખ 10 હજાર 550 બોક્સ કેસર કેરીનું વેચાણ થયું છે. આ સમયગાળા દરમિયાન એક બોક્સનો સરેરાશ ભાવ રૂ.740 રહ્યો હતો, જેનાં પરિણામે ખેડૂતોને આશરે રૂ.8 કરોડ 18 લાખ જેટલી આવક થઈ છે. આ ભાવને લઈને ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.

આજે યાર્ડમાં 13 હજાર બોક્સ કેરી વેચાણ માટે આવી હતી, જેમાં સારી ગુણવત્તાવાળી કેસર કેરીનો મહત્તમ ભાવ રૂ.1125 સુધી પહોંચ્યો હતો. તાલાલા પંથકમાંથી દરરોજ અંદાજે 25 હજાર બોક્સ કેરીનું વેપાર થાય છે. વેપારીઓના જણાવ્યા મુજબ ગુણવત્તા મુજબ ભાવમાં ફેરફાર જોવા મળે છે, પરંતુ કુલ મળીને બજારમાં માગ મજબૂત છે. અહીંથી કેરીઓ રાજકોટ, ગોંડલ, જામનગર, પોરબંદર અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિવિધ બજારોમાં મોકલવામાં આવે છે. ઉપરાંત જામવાળા અને ઊના વિસ્તારોમાંથી પણ કેરીનું મોટાપાયે આવક થઈ રહી છે.

અનુભવી વેપારીઓ અને કમિશન એજન્ટોના જણાવ્યા મુજબ આ વર્ષે પાછોતરો પાક વધુ હોવાથી કેસર કેરીની સીઝન લાંબી ચાલવાની શક્યતા છે. આવનારા દિવસોમાં યાર્ડમાં આવકમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક