• સોમવાર, 18 મે, 2026

ગણપતિ અને ઘનશ્યામ મહારાજને માસિયાઈ ભાઈ ગણાવનાર સ્વામિનારાયણ સંત સામે ભભૂકતો રોષ

બંનેને ભાઈ ગણાવવા એ બુદ્ધિનું પ્રદર્શન : મહંત ઇન્દ્રભારતી બાપુ : ઇતિહાસથી અજાણ સાધુઓ દ્વારા નિવેદન અયોગ્ય 

જૂનાગઢ તા.4 : સ્વામિનારાયણના સંતો હિન્દુ દેવી-દેવતાઓને છાશવારે નીચા દેખાડવાના પ્રયાસો કરી રહ્યા છે. તાજેતરમાં સ્વામિનારાયણના એક સાધુએ ગણપતિ અને ઘનશ્યામ મહારાજને માસીયાઇ ભાઈ ગણાવ્યા હતા, જેની સામે સાધુ- સંતોમાં રોષ ભભુકી ઉઠયો છે. ઇતિહાસથી અજાણ સ્વામિનારાયણના સાધુઓએ આવા બફાટ બંધ કરવા જોઈએ.

સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોમાં સ્વામિનારાયણના સાધુ હરિભક્તોને સંબોધતા જણાવ્યું કે ભક્તિ દેવી અને ભવાની દેવી બહેનો છે, તેથી ગણપતિ અને ઘનશ્યામ મહારાજ માસીયાઇ ભાઈ થાય છે. આવા નિવેદનથી સાધુ-સંતોમાં રોષ ઉઠ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ અપૂરતા જ્ઞાનને કારણે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને હિન્દુ દેવી-દેવતાઓને નીચા દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

આ અંગે ગિરનારના મહંત ઇન્દ્રભારતી બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના આ સાધુએ બુધ્ધિનુ પ્રદશૅન કર્યું છે. ગણેશ અને ઘનશ્યામ મહારાજને માસીયાઇ ભાઈ ગણાવે છે આ સાધુને એટલી પણ ખબર નથી કે ઘનશ્યામ મહારાજને 200 વર્ષ થયા છે જ્યારે ગણપતિ શંકર ભગવાનના લગ્ન વખતે પણ સાથે હતા અને આજે અનાદિકાળથી ગણપતિ પૂજાય છે ત્યારે બંને ભાઈ ગણાવવાએ બુદ્ધિનુ પ્રદર્શન છે. 

સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ વારંવાર આવો બફાટ કરી, સાધુ-સંતો અને સનાતનીઓની લાગણીને ઠેસ પહોંચાડી રહ્યા છે. હિન્દુ દેવી-દેવતાઓને નીચે દેખાડી સ્વામિનારાયણ સંપ્રદાયને સર્વોચ્ચ ગણાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ સાધુ-સંતો અને સનાતનીઓ આવા નિવેદનો કરનારાઓને હવે શાનમાં સમજી જવાનો સમય પાકી ગયો હોવાની ટકોર કરી રહ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક