• સોમવાર, 18 મે, 2026

ગોંડલ ચોકડી નજીક ઈકો અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત, બે સગા ભાઈઓનાં મૃત્યુ

રાજકોટ, તા.4 : ગોંડલ ચોકડી નજીક આજે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. ટાટાના શોરૂમ પાસે ફુલ ઝડપે આવતી સ્કોર્પિયો અને ઈકો કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ઈકોમાં સવાર બે સગા ભાઈના ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાનાં કારણે મૃત્યુ નીપજ્યાં છે. આ અકસ્માતમાં અન્ય ચાર વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થઈ છે, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઇ વે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

થાનગઢના રહેવાસી શામજીભાઈ તળશીભાઈ પાટડિયા (70) અને તેમના નાના ભાઈ મગનભાઈ તળશીભાઈ પાટડિયા (65) પરિવાર સાથે ગોંડલ ખાતે મરણ પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. મૃતક બન્ને ભાઈઓ વેલ્ડિંગ ફેબ્રિકેશનના વ્યવસાય સાથે જોડાયેલા હતા.        

આ દુર્ઘટનામાં તેમનાં પત્નીઓ હંસાબેન અને ગીતાબેનને પણ શરીરે ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

સામે પક્ષે સ્કોર્પિયોમાં સવાર બે યુવાન મહેબૂબ અને સાહિલને પણ ઇજાઓ થતા સિવિલમાં ખસેડાયા છે. મૃતક શામજીભાઈ અને મગનભાઈ બન્ને સંતાનમાં બે દીકરા અને બે દીકરી ધરાવતા હતા. પરિવારના બે મોભીઓએ એકસાથે જીવ ગુમાવતા પાટડિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વાતાવરણ ગમગીન બની ગયું છે. પોલીસ દ્વારા આ મામલે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક