• સોમવાર, 18 મે, 2026

પોરબંદરના ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં 11 આરોપીને સાબરમતી જેલમાં ધકેલાયા

(ફૂલછાબ ન્યૂઝ)

જામનગર, તા.5: આરડીએકસ અને ઘાતક શસ્ત્રોના ગોસાબારા ખાતે થયેલા લેન્ડિંગના ચકચારી કેસમાં જામનગરની ખાસ ડેઝીગ્નેટેડ કોર્ટ (ટાડા કોર્ટ) દ્વારા 12 આરોપીઓને પાંચથી સાત વર્ષની જેલ સજા ફરમાવતા આપેલા ચુકાદા બાદ ગઇકાલે સાંજે જ આ તમામ આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં થયેલા બાબરી ધ્વંશનો બદલો લેવા માટે દેશમાં અરાજકતા અને કોમી રમખાણો ફેલાવવાના કાવતરાના ભાગરૂપે 4થી 7 માર્ચ 1993 દરમિયાન પોરબંદરના ગોસાબારા નજીક પાકિસ્તાનથી આવેલા વિસ્ફોટક પદાર્થ આરડીએકસ અને એકે-56, એકે-47, મશીન ગન અને હેન્ડ ગ્રેનેડ સહિતના જથ્થાનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ પછી વિસ્ફોટક પર્દાથ આરડીએકસનો ઉપયોગ દેશની રાજધાની ગણાતા મુંબઇમાં 12 માર્ચ 1993ના રોજ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકામાં કરવામાં આવ્યો હતો. આ લેન્ડીંગ અને સિરિયલ બોમ્બ બ્લાસ્ટનું કાવતરું પાકિસ્તાનમાં ઘડવામાં આવ્યું હતું. આ કાવતરાને અંજામ આપવા માટે પાકિસ્તાને જે-તે સમયે કરાંચીમાં ગેરકાયદે રીતે આશ્રય આપેલા ભારતના નામચીન ડોન દાઉદ ઇબ્રાહીમ કાસકર શેખની મદદ લીધી હતી અને દાઉદ ઇબ્રાહીમે મહારાષ્ટ્ર અને ગુજરાતના પોતાના ગેંગ નેટવર્કનો ઉપયોગ કરીને લેન્ડિંગ કરાવ્યું હતું અને બોમ્બ ધડાકા કરાવ્યા હતા. આ બોમ્બ ધડાકામાં 300 જેટલા નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા અને અસંખ્ય લોકો ઘાયલ થયા હતા. સરકાર તરફે રોકાયેલા જિલ્લા સરકારી વકીલ જમનભાઇ ભંડેરી અને સ્પેશિયલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે રોકાયેલા રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી તુષાર ગોકાણીની ધારદાર દલીલો, સાહેદોની જુબાની અને દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ જજ આર.પી. મોગરાએ આ કેસમાં 12 આરોપીઓને દોષિત ગણી પાંચથી સાત વર્ષની સજા ફરમાવી હતી.

જામનગરની સ્પેશિયલ ડેઝીગ્નેટેડ કોર્ટે ઉપરોકત આરોપીઓને આ ચકચારી કેસમાં સજા ફરમાવી હોવાથી સલીમ કુત્તા સિવાયના અન્ય તમામ 11 દોષિત આરોપીઓને ગઇકાલે સાંજે જ પોલીસ જાપ્તા હેઠળ અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક