40 લાખ ગાંસડી જ બચી
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ,તા.5: કપાસની બજારમાં
સોપો પડી ગયો છે. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સોમવારે એક જ ઝાટકે રૂ. 2900નો તોતીંગ
ભાવવધારો ઝીંકી દીધાં પછી બીજા દિવસે પણ રૂ. 800નો વધારો કરી નાંખવામાં આવ્યો હતો.
ખાસ કરીને ટેક્સટાઇલ સાથે સંકળાયેલા યુનિટસ અને યાર્ન ઉત્પાદકો મુંઝાયા છે. સીસીઆઇ
વિદેશની અસરથી લગાતાર ભાવવધારો કરી રહી છે. બે જ દિવસમાં ગાંસડીમાં રૂ. 3600 વધારી
નંખાતા સોદામાં સાવધાની દેખાતી હતી. ગાંસડીમાં તેજી થવાને લીધે ખેડૂતો હવે કપાસનો ભાવ
રૂ. 2 હજાર થવાની રાહમાં છે.
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ
સંકર ગાંસડીનો ભાવ ખાંડીએ રૂ. 2900 વધારીને સોમવારે રૂ. 65000-66900 અને મંગળવારે રૂ.
800 વધારીને રૂ. 66200-67700 કરી દીધો હતો. અમદાવાદના એક અગ્રણી બ્રોકર કહે છે, સંસ્થાએ
કટકે કટકે વધારો કરવાની આવશ્યકતા હતી. એક વખતમાં જંગી વધારો કરવાને લીધે ટેક્સટાઇલ
ઉદ્યોગ ડિસ્ટર્બ થઇ જાય તેમ છે. હવે ખૂબ ઉંચા ભાવ થઇ ગયા છે. જોકે ટેક્સટાઇલની નિકાસ
અને યાર્નના નિકાસ કામકાજો સારાં છે એટલે ગાંસડીની ખપત પણ થઇ રહી છે. બ્રોકરોના મતે
વૈશ્વિક બજારમાં તેજી થવાને લીધે ભારતમાં ગાંસડીના ભાવ વધતા જાય છે એ વાજબી છે પણ મોટો
વધારો પચે તેવો નથી.
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ
ચાલુ વર્ષમાં 105 લાખ ગાંસડીની ખરીદી ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી કરી હતી. એમાંથી હવે
39-40 લાખ ગાંસડી આસપાસનો સ્ટોક બાકી રહ્યો છે. મોટાંભાગનો માલ સીસીઆઇએ વેંચી નાંખ્યો
છે. દર વર્ષે વેચાણમાં ખોટ જતી હોય છે, આ વર્ષે સંસ્થાને નફો થાય તેમ છે.
19મી જાન્યુઆરીએ સીસીઆઇએ પ્રથમ
વેચાણ કર્યું ત્યારે રૂ. 56000નો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો. એ પછી અત્યાર સુધીમાં
20 ટકાનો ભાવવધારો થઇ ચૂક્યો છે. બીજી તરફ વૈશ્વિક બજારમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં
27 ટકાની તેજી આ ગાળામાં થઇ ગઇ છે. વાયદો વધીને 84 સેન્ટનું મથાળું જોઇ આવ્યો છે. જોકે
કપાસના ભાવમાં ફક્ત 12 ટકાની તેજી થઇ શકી છે. કપાસને સૌથી ઓછો લાભ મળ્યો છે.
કપાસના બ્રોકરોના અંદાજ પ્રમાણે
દેશમાં અત્યારે 210 લાખ ગાંસડી આસપાસનો સ્ટોક છે. એમાંથી સીસીઆઇ પાસે આશરે 40 લાખ ગાંસડી
પડી છે. જ્યારે સ્પિનરો પાસે 98 લાખ ગાંસડી અને મલ્ટીનેશનલ કંપનીઓ, ટ્રેડરો તથા જિનરો
પાસે આશરે 72 લાખ ગાંસડી પડી હોવાનો અંદાજ છે.
દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાતના માર્કેટ
યાર્ડમાં કપાસની આવક 35-40 હજાર મણ આસપાસ આવી ચૂકી છે. કિસાનો પાસે જ્યાં માલ છે ત્યાં
વધુ તેજીની આશાએ પકડ થઇ ગઇ છે. જોકે યાર્ડમાં બોટાદ સિવાય ખાસ આવક નથી. યાર્ડમાં કપાસનો
ભાવ મણે રૂ. 1500-1940 સુધી સોમવારે બોલાયો હતો. કપાસના ભાવ હવે રૂ. 2 હજારનો ભાવ થવાની
નજીક છે.