• સોમવાર, 18 મે, 2026

રાજ્યમાં 1લી જૂનથી વસતી ગણતરીનો પ્રારંભ થશે

-ઓનલાઈન જાતે જ તમારી માહિતી નોંધાવી શકાશે

-આ વખતે પ્રક્રિયાને સંપૂર્ણ ડિજીટલ બનાવવા માટે દરેક ઘરને મેપ પર ડિજી ડોટ તરીકે દર્શાવવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)  અમદાવાદ, તા. 6: ગુજરાતમાં આગામી તા.1થી 30 જૂન, 2026 દરમિયાન વસ્તી ગણતરીની મહત્ત્વની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. આ હાઉસ લિસ્ટિગ ઓપરેશન અંતર્ગત કર્મચારીઓ ઘરે-ઘરે જઈને પરિવારદીઠ 33 જેટલા સવાલો પૂછશે. જોકે, નાગરિકોની સુવિધા માટે 17થી 31 મે સુધી સેલ્ફ એન્યુમેરેશન સિસ્ટમ શરૂ કરાશે, જેમાં ઓનલાઈન જાતે જ તમારી માહિતી નોંધાવી શકાશે. આ વખતે પ્રક્રિયાને સંપૂર્ણ ડિજીટલ બનાવવા માટે દરેક ઘરને મેપ પર ડિજી ડોટ તરીકે દર્શાવવામાં આવશે અને સરકારે આ માટેનું બજેટ અને ટ્રાનિંગ પણ ફાળવી દીધા છે.

રાજ્ય સરકારના ગેઝેટ પ્રમાણે તા.1થી 30 જૂન સુધી મકાનોની ગણતરી એટલે કે હાઉસ લિસ્ટિંગ ચાલશે. આમાં તમામ રહેણાક મકાનો અને તેમાં રહેતા પરિવારોની વિગતો એકઠી કરવામાં આવશે પરંતુ જો તમે કર્મચારી ઘરે આવે તેની રાહ જોવા ન માંગતા હોવ, તો 17થી 31 મે વચ્ચે તમને જાતે જ માહિતી રજીસ્ટર કરવાની તક મળશે. તમે ઓનલાઈન સેલ્ફ એન્યુમેરેશનથી વિગતો ભરી દેશો, તો 1 જૂન પછી આવનાર કર્મચારી માત્ર તમારી માહિતી કન્ફર્મ કરશે. આટલી મોટી કામગીરી માટે સરકારે અત્યારથી જ કમર કસી લીધી છે. આગામી 10 મેથી 15 મે 2026 વચ્ચે ગણતરીકારો અને સુપરવાઈઝરોને ખાસ ટ્રાનિંગ અપાશે. આ વખતે કાગળના બદલે આધુનિક ટેક્નોલોજી, મોબાઇલ એપ્લિકેશન અને ઈખખજ પોર્ટલનો ઉપયોગ થશે, જેથી રિયલ-ટાઈમ ડેટા મળી શકે. દેશભરમાં 100 રાષ્ટ્રીય ટ્રેનર્સ, 2000 માસ્ટર ટ્રેનર્સ અને 44,000 ફીલ્ડ ટ્રેનર્સ લાખો કર્મચારીઓને તાલીમ આપશે. આ કામગીરી માટે રાજ્ય સ્તરે રૂ. 10 લાખ, જિલ્લા/મહાનગરપાલિકા સ્તરે રૂ. 5 લાખ અને તાલુકા સ્તરે રૂ. 1 લાખની જોગવાઈ કરાઈ છે, જેમાંથી આઇટી સાધનો અને વાહનોનો ખર્ચ કાઢવામાં આવશે.

આ વખતની વસ્તી ગણતરીની સૌથી મોટી ખાસિયત એ છે કે તમારા ઘરને ડિજિટલ નકશા પર એક ડિજી ડોટ (ડીજી ડોટ) તરીકે માર્ક કરવામાં આવશે. આનાથી ફાયદો એ થશે કે કોઈ આપત્તિ આવે ત્યારે બચાવ કામગીરીમાં, શહેરી આયોજનમાં અને સરહદના સીમાંકન વખતે સચોટ માહિતી મળી રહેશે. એટલું જ નહીં, આધાર કાર્ડ સાથે જોડાયેલા જિયો-ટાગિંગથી મતદાર યાદી વધુ સચોટ બનશે અને ડુપ્લિકેટ નામો દૂર કરવામાં પણ ઘણી મદદ મળશે. શહેરીકરણ અને લોકોના સ્થળાંતરનો સાચો ડેટા પણ આનાથી મળી શકશે. 

ઇ-પેપરના નવા શુલ્ક