-એમવી
ગૌતમ જહાજમાં જનરેટર ફેઈલ થતાં એન્જિન પણ બંધ : ટગ બોટથી ખેંચી લાવવાની તૈયારી
નવી
દિલ્હી, તા.26: ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તનાવ અને કડવાશ વચ્ચે પણ એક સકારાત્મક
ઘટનાક્રમ બન્યો છે. પાકિસ્તાની નૌસેનાએ અરબ સાગરમાં ફસાયેલા એક ભારતીય જહાજમાં ખાવા-પીવાનો
સામાન પહોંચાડીને મદદ કરી છે. આ જહાજ ઓમાનનાં શિનાસથી ભંગાણ માટે ગુજરાતમાં અલંગ બંદરે
આવી રહ્યું હતું. અધવચ્ચે જહાજનું જનરેટર ખરાબ થઈ જતાં આખા જહાજમાં વીજળી ગુલ થઈ ગઈ
હતી. ત્યારબાદ આ જહાજ એન્જિનની તાકાત વગર દરિયામાં વહી રહ્યું છે અને હવે ભારતીય ક્ષેત્રમાં
આવી ગયું હોવાથી તેને ટગ બોટથી ખેંચી લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું જાણવા
મળે છે. આ ઘટના પાકિસ્તાનનાં સર્ચ એન્ડ રેસ્ક્યુ ક્ષેત્રમાં બની હતી. આ વિસ્તારની જવાબદારી
પાકિસ્તાનની છે. પાક. નૌસેનાએ આ ક્ષેત્રમાં મુશ્કેલીમાં મૂકાયેલા ભારતીય જહાજને મર્યાદિત
મદદ પહોંચાડી હતી. જહાજમાં લોકોને ખાવા-પીવાનો સામન તેનાં તરફથી પૂરો પાડવામાં આવ્યો
હતો. જો કે વીજળી સિસ્ટમનું સમારકામ તેની ક્ષમતાની બહાર હોવાથી તેમાં કોઈ મદદ કરી શક્યું
નહોતું.
ગૌતમ
નામક આ જહાજમાં 3 મેનાં રોજ જનરેટરમાં ખરાબી આવી હતી અને તેનાં હિસાબે આખા જહાજની વીજળી
ઠપ થઈ ગઈ હતી. જહાજમાં કુલ 7 ખલાસી હતાં અને તેમાં 6 ભારતીય અને 1 ઇન્ડોનેશિયાનાં નાગરિકનો
સમાવેશ થાય છે.
પાક.નાં
ક્ષેત્રમાં હોવાથી મુંબઈ મેરિટાઈમ રેસ્ક્યૂ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી આની જાણકારી પાક.
અધિકારીઓને અપાઈ હતી. ત્યારબાદ જહાજ લાઈટ અને એન્જીન વગર દરિયામાં વહી રહ્યું હતું.
ભારતનાં ક્ષેત્રમાં આવી ગયા બાદ તેને હવે ટગ બોટથી ખેંચીને લાવવાની તૈયારી ચાલી રહી
છે. આ જહાજ દ્વારકાથી આશરે 264 નોટિકલ માઈલ દૂર હોવાનું જાણવા મળે છે. એન્જિનની તાકાત
વગર વહેતું આ જહાજ આસપાસથી પસાર થતાં અન્ય જહાજો માટે ખતરારૂપ પણ બની શકે તેમ છે.