-ટેરાબાઈટ
ડેટામાં રોકાણ પર મહિને 5% વળતરની લાલચ આપી, 33 હજાર રોકાણકારોના નાણા ઓળવીને કંપનીના
માલિકો રફુચક્કર થયાનો આક્ષેપ
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.6: ગાંધીનગર પાસેના ગિફ્ટી સિટીમાં મસમોટું રોકાણ કૌભાંડ
સામે આવ્યું હોવાની ચર્ચા છે. આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થોની મુખ્ય કચેરીઓ જ્યાં આવેલી
છે તેવા ગિફ્ટી સિટીમાં રોકાણના નામે કરોડો રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું
હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. ગિફ્ટી સિટીમાં કાર્યરત શૂટ સ્પેસ ડિજીટલ
પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ટેરાબાઇટ ડેટા સ્પેસમાં રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ
આપી કરોડોનો ચૂનો લગાવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રોકાણકારો કંપનીની ઓફિસ
ન્યાયની માંગ સાથે ઉમટી પડતા ગિફ્ટ સિટીમાં ભારે હોબાળો મચી ગયો છે. આ અંગે જાણ થતા ડભોડા પોલીસે સ્થળ પર પહોંચી મામલો
થાળે પાડયો હતો. પોલીસ દ્વારા ભોગ બનનારા લોકોની ફરિયાદો નોંધવાની પ્રક્રિયા તેજ કરવામાં
આવી છે અને કંપનીના સંચાલકોની શોધખોળ હાથ ધરી કાયદેસરની તપાસ શરૂ કરી છે. કંપનીના માલિકોએ
એવી લોભામણી ઓફર રોકાણકારોને આપી હતી કે, ટેરાબાઈટ ડેટા સ્પેસમાં રોકાણ કરીને મહિને
પાંચ ટકા જેટલું માતબર વળતર ચૂકવવામાં આવશે. કંપનીએ શરૂઆતમાં રોકાણકારોને સમયસર વળતર
ચૂકવીને વિશ્વાસ કેળવ્યો હતો. ગુજરાત ઉપરાંત હરિયાણા અને ગોવામાં પણ રોકાણકારોએ આ કંપનીમાં
રોકાણ કર્યું હોવાની વિગતો સામે આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ કૌભાંડનો આંકડો મોટો
છે. આશરે 33,000થી વધુ ગ્રાહકો આ સ્કીમમાં ફસાયા હોવાની ભીતિ છે અને કૌભાંડનો આંકડો
400 કરોડ રૂપિયાને પાર કરી શકે છે. કેટલાક રોકાણકારોએ તો 5 લાખથી લઈને 3 કરોડ રૂપિયા
સુધીની રકમ ગુમાવી હોવાની ફરિયાદો ઉઠી છે. આ અંગે ડભોડા પોલીસ મથકના પીઆઇ અનિલ ચૌહાણે
જણાવ્યું કે, રોકાણકારોને વળતર નહીં મળ્યાનો આક્ષેપ છે. જે મામલે તેમણે અરજી આપતા આ
અંગે તપાસ કરવામાં આવી છે.