સુરેન્દ્રનગરમાં વોટ્સએપ ગ્રુપ મારફતે થાનગઢ, મૂળી, સાયલા અને ચોટીલાના ભૂ-માફિયાઓને પહોંચાડતા હતા માહિતી
સુરેન્દ્રનગર,
તા. 23:સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં ચાલી રહેલી ગેરકાયદે ખાણ ખનીજ પ્રવૃત્તિઓ
સામે મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. થાનગઢ, મૂળી, સાયલા અને ચોટીલા પોલીસ સ્ટેશન
વિસ્તારોમાં ખાણ ખનીજ સાથે સંકળાયેલા ભૂ-માફિયાઓને મદદરૂપ થવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવી
પોલીસ, ખાણ ખનીજ વિભાગ તથા આર.ટી.ઓ. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની હિલચાલ અંગે
માહિતી શેર કરવામાં આવતી હોવાની ગંભીર બાબત સામે આવતા 24 શખસને ઝડપી લેવામાં આવ્યા
છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક
નિર્લિપ્તરાય દ્વારા રાજકોટ રેન્જના જિલ્લાઓમાં ગેરકાયદે ખાણ ખનીજ પ્રવૃત્તિઓ સામે
સખત કાર્યવાહી કરવા તેમજ આવા વોટ્સએપ ગ્રુપ ચલાવતા અને અધિકારીઓની માહિતી આપતા તત્ત્વોને
ઝડપી પાડવા સૂચનાઓ આપવામાં આવતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લાના
વિવિધ ડિવિઝનોમાં ગેરકાયદે ખનન અને વહન પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ કરાવવા મદદનીશ પોલીસ
અધિક્ષકો અને નાયબ પોલીસ અધિક્ષકોને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
જે
અંતગર્ત થાનગઢ, મૂળી, સાયલા અને ચોટીલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં
આવી હતી. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, કેટલાક શખસો સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની
રેકી કરી તેમની હિલચાલ પર નજર રાખતા હતા અને તે માહિતી વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હતા.
જે ખનીજ માફિયાઓ સુધી પહોચતી હતી. જેથી ગેરકાયદે ખાણ ખનીજ પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકો
સાવચેત થઈ શકે. એવું પણ જાણવા મળ્યું છે કે, ખનીજ માફિયાઓ દ્વારા આ શખસોને રૂપિયા પણ
ચુકવવામાં આવતા હતા. પોલીસે આવા વોટ્સએપ ગ્રુપના એડમિનોને ઝડપી પાડી સુરેન્દ્રનગર પોલીસ
હેડક્વાર્ટર ખાતે 24 શખસને બોલાવી કડક ચેતવણી આપી તેમજ તેમની સામે કાર્યવાહી હાથ ધરી
છે.