ચોરીના નાણાંમાંથી બંગલો અને દુકાન ખરીદ્યા: બેન્કમાં લાડિંગ-અનલાડિંગનું કામ કરતા પિતા-પુત્રની જોડીની મદદથી આર્થિક કૌભાંડ આચર્યાનું સામે આવ્યું
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.23: અમદાવાદના કાલુપુરમાં બેન્ક ઓફ બરોડાની શાખામાં આરબીઆઈની કરન્સી ચેસ્ટમાંથી
રૂ.8.70 કરોડની ઉચાપત કરનાર આરોપીને ઝોન-3 એલસીબીએ ઝડપી પાડયો છે. આરોપી બેન્કનો જ
કર્મચારી અને જોઈન્ટ કસ્ટોડિયન છે. સોલાથી આરોપીને પોલીસે દબોચી લીધો હતો અને કારમાંથી
રૂ.2.2 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. આરોપીએ બેન્કમાં લાડિંગ-અનલાડિંગનું કામ કરતા
પિતા-પુત્રની જોડીની મદદથી આ આર્થિક કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
કાલુપુરમાં
ગાંધી રોડ સ્થિત બેન્ક ઓફ બરોડામાંથી થોડા દિવસો અગાઉ રૂ.8.70 કરોડની ગેરરીતિનો મામલો
સામે આવ્યો હતો. આ કેસમાં ઝોન-3 એલબીસીની ટીમે આરોપી હરસિદ્ધ અર્જુનભાઈ કડિયારા (ઉં.42)ને
ઝડપી લીધો છે. હરસિદ્ધ પોતે બેન્કનો કર્મચારી છે અને બેન્ક દ્વારા સંચાલિત આરબીઆઈ કરન્સી
ચેસ્ટનો જોઈન્ટ કસ્ટોડિયન છે. તેણે 6 જાન્યુઆરીથી 13 મેના સમયગાળામાં બેન્કના રેકોર્ડ
અને એક્સેલ શીટમાં મોટાપાયે ચેડાં કર્યા હતા. બેન્કની મુખ્ય શાખામાં ઓડિટ દરમિયાન
500ના દરની 174 રીમ (ચલણી નોટોના બંડલ) ઓછી હોવાનું માલૂમ પડયું હતું. આટલું જ નહીં
તેણે આરબીઆઈના ઈ-કુબેર પોર્ટલ પર પણ ખોટા બેલેન્સ સર્ટિફિકેટ અપલોડ કરી સિસ્ટમમાં ચેડાં
કર્યા હતા.
15મેના
રોજ કડિયારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તપાસમાં સોલામાં એક કોમ્પ્લેક્સમાં
પાર્ક કરેલી કારમાંથી પોલીસને રૂ.2.2 કરોડની રોકડ મળી હતી. કડિયારા પાસેથી અર્ટિગા
કાર, ત્રણ મોબાઈલ સહિત 2.26 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીએ ચોરી કરેલા નાણાંથી
અમદાવાદમાં બે કરોડનો બંગ્લો રૂ.1.40 કરોડમાં દુકાન ખરીદી હતી. હરસિદ્ધ સાથે કેશ લાડિંગ-અનલાડિંગનું
કામ કરતા પિતા-પુત્ર મળેલા હતા. તેમની ઓળખ ઝુલ્ફિકાર અંસારી અને સુલતાન અંસારી તરીકે
થઈ છે. ચેસ્ટમાંથી 500ના બંડલ કાઢીને બાદમાં તેની જગ્યાએ કાગળના બંડલ મૂકી દેવાતા હતા
અને નોટોના બંડલ ટ્રોલી મારફતે બેન્કની બહાર લઈ વાહનમાં મૂકીને કડિયારાના ઘરે પહોંચાડવામાં
આવતા હતા. ત્યારબાદ આરોપીઓ રોકડની વહેચણી કરતા હતા. ચોરીના નાણાંનું રોકાણ ક્રિપ્ટોમાં
પણ થયું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
ચોરી
બાદ બેન્ક અધિકારી પરિવાર સાથે મનાલી ફરવા ઉપડી ગયો
15
વર્ષથી બેન્કમાં નોકરી કરતા અધિકારીએ કરન્સી ચેસ્ટમાંથી માતબર રકમની ચોરી કર્યા બાદ
તે રજા પર ઉતરી ગયો હતો. તેણે બેન્ક મેનેજરને બીમાર હોવાનું બહાનું આપ્યું હતું પરંતુ
હકીકતમાં તે પરિવાર સાથે મનાલી ફરવા ઉપડી ગયો હતો. પોલીસના મતે આરોપીની પત્ની રેલવે
પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે અને જ્યારે વૈભવી જીવનશૈલી જીવવા માટે તેણે નાણાંની ઉચાપત
કરી હોવાનું કડિયારાએ સ્વીકાર્યું હતું.