(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 23: હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસનું પૂર્વાનુમાન જારી કરવામાં આવ્યું છે. જેમાં વાતાવરણ સૂકું રહેશે એવી આગાહી કરાઈ છે. મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહેવાની સંભાવના છે. હાલ ગુજરાત પર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.
સાથે જ પંજાબથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન સુધી સક્રિય
ટ્રફ લાઇનના પ્રભાવને કારણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ
જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સિવાય ગરમીનો પ્રકોય યથાવત રહેવાનું હવામાન વિભાગનું
અનુમાન છે.
આજે
નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા પર નજર નાખતા જણાય છે કે આજે સૌથી વધુ તાપમાન રાજકોટમાં
42.7, જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં
41.1, જૂનાગઢમાં 40, બરોડામા 40.6, ભુજમાં
40.0, ડીસામાં 41.2, ગાંધીનગરમાં 42, કંડલામાં 39.5 તેમજ સુરતમાં 37.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
નોંધનીય
છે કે ગરમીના કારણે રસ્તાઓ પર બપોરના સમયે સૂમસાન માહોલ જોવા મળ્યા હતા. લોકો ઠંડા
પીણાં અને છાંયડાનો સહારો લેતા જોવા મળ્યા હતા. બીજી તરફ ડોક્ટરોએ પણ લોકોને જરૂરી
કામ સિવાય બપોર દરમિયાન બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપી છે. રાજ્યમાં
વધતી ગરમીને કારણે વીજળીના વપરાશમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.