એસ.પી.ને આવેદન પાઠવી વેપારીને ઝડપી લઇ નાણા પરત અપાવવા ભોગ બનેલા વેપારીઓની માગ
જામનગર,
તા.23: જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા અને સુપરમાર્કેટમાં દીપાલી એન્ટરપ્રાઇઝ
નામથી રેડીમેઈડ કાપડની દુકાન તેમજ અન્ય વેપારી ધંધાઓ સાથે સંકળાયેલા હિતેશ લક્ષ્મીકાંતભાઈ
ગોહિલ અચાનક પત્ની અને બાળક સાથે ગાયબ થઈ ગયા છે. આ વેપારીએ અન્ય વેપારીઓ પાસેથી નાણા
અને ઉધારમાં માલ લઇ અંદાજે રૂ.25 કરોડનું ફુલેકું ફેરવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી
રહ્યો છે. આ મુદ્દે એસ.પી.ને વેપારીઓએ આવેદનપત્ર પાઠવી નાશી ગયેલા વેપારીને ઝડપી નાણા
પરત કરવા માગ કરવામાં આવી છે.
વેપારીઓના
જણાવ્યા મુજબ હિતેશ ગોહીલે છેલ્લા કેટલાક સમયથી પ્રી-પ્લાનિંગના આધારે શહેરના વેપારીઓ
પાસેથી નાણા અને માલ ઉધાર સ્વરૂપે મેળવ્યા બાદ એકાએક સંપર્ક તોડી દીધો છે. પિતા સહિતના
અન્ય પરિવારના સભ્યો દ્વારા બે-ત્રણ દિવસ પહેલા રાત્રે કેટલાક વેપારીઓને ઝેરોક્ષ નોટિસ
પાઠવી અમારો કોઈ લેવા દેવા નથી. તેવી લેખિત જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ત્યારબાદ હિતેશ ગોહીલ પોતાની પત્ની અને બાળક સાથે અચાનક ગાયબ થઈ ગયા હતા અને તેના મોબાઈલ
પણ સ્વિચ ઓફ આવતા વેપારીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે.
પ્રાથમિક
માહિતી મુજબ, જામનગરના સુપરમાર્કેટના પચીસથી વધુ વેપારીઓ ઉપરાંત શહેરના અન્ય વેપારીઓના
પણ નાણા અટવાયા છે. ઉપરાંત રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરત સહિતના વેપારી સેન્ટરો તેમજ
મુંબઈ અને પુણા સુધી વેપારિક જાળ ફેલાવી મોટી રકમ એકત્ર કરાઈ હોવાની ચર્ચા વેપારી વર્તુળોમાં
ચાલી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, અંદાજે રૂ.25 કરોડથી વધુની રકમનું ફુલેકું ફેરવી
વેપારી ફરાર થઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે આજે સુપરમાર્કેટના
પચ્ચીસથી વધુ વેપારીઓ એકત્ર થઈ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી આરોપીને શોધી નાણાં
પરત અપાવવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી.