• મંગળવાર, 25 જૂન, 2024

અહેમદ પટેલના પુત્રના પગલાં ભાજપ ભણી?

સી.આર. પાટીલની સાથે ફોટો ટ્વીટર પર મૂકતાં અનેક અટકળો

અમદાવાદ તા. 7:કોંગ્રેસના એક સમયના સમર્થ નેતા, સોનિયા ગાંધી-પરિવારની સતત નજીક રહેલા અહમદ પટેલના પુત્ર ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની અફવા-અટકળો શરુ થઈ છે. અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ અહમદભાઈના પુત્ર ફયઝલ પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર મૂક્યા હોવાથી વાતો વહેતી થઈ છે.

ફયઝલ પટેલે થોડા સમય પહેલાં ટ્વીટર પર હૈયા વરાળ ઠાલવતાં લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી તરફથી તેમને કોઈ જવાબદારી સોંપવામાં આવવી જોઈએ. કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વ માટે કેટલાક સવાલો પણ ઉઠાવ્યા હતા. દરમિયાન આજે તેમણે પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની સાથે પોતાના ફોટોગ્રાફ ટ્વીટર પર મૂક્યા હતા. જેને લીધે રાજકીય ક્ષેત્રે એવી વાતો વહેતી થઈ છે કે 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે ફયઝલભાઈ ભાજપમાં જોડાઈ શકે.

જો કે ફયઝલભાઈએ વિધાનસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરાવિંદ કેજરીવાલ સાથે પણ શુભેચ્છા મુલાકાત

કરી હતી. અહમદ પટેલ કોંગ્રેસના વર્ષો જુના નેતા હતા. ગુજરાત-ભરુચના તેઓ વતની હતા પરંતુ લાંબો સમય તેમણે દિલ્હીમાં વસવાટ કર્યો. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહ્યા. તેમનું કોંગ્રેસ સાથેનું અનુસંધાન ત્રણ દાયકા કરતાં વધારે સમયનં રહ્યું.

અહેમદભાઈના પરિવારમાંથી જો કોઈ ભાજપમાં જોડાય તો તે રાજ્યના રાજકારણમાં અત્યંત મહત્વની ઘટના ગણાશે તે નક્કી છે. ફોટોગ્રાફ વાયરલ થયા પછી પણ ભાજપે કે ફયઝલભાઈએ વાતને સમર્થન આપ્યું નથી.

ઇ-પેપરના નવા શુલ્ક