• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

બોટાદના લાઠીદડ ગામે બે જૂથ વચ્ચે અથડામણ: બન્ને પક્ષના મળી આઠને ઇજા આઇસર સાઇડમાં લેવાનું કહેતા બનેલી ઘટના: સામસામી ફરિયાદ

બોટાદ, તા. 8: બોટાદ જિલ્લાનાં લાઠીદડ ગામે રસ્તા વચ્ચે પાર્ક કરાયેલ આઇસર સાઇડમાં લેવાની બાબતે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં આઠ વ્યક્તિને ઇજા થઈ હતી. બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી. બનાવમાં જૂની સરવઈ ગામે રહેતા ડાહ્યાભાઈ જોગવા, તેના પિતા રાઘુભાઈ કાનાભાઇ જોગવા, કાકા વિરમભાઈ સગરામભાઈ જોગવા અને ફઈનો દીકરા મહેશભાઈ સાર્દુલભાઈ ગમારા તથા સામા પક્ષે પોપટભાઈ ઓધડભાઈ ગોહેલ, પુત્ર રાઘવજીભાઈ પોપટભાઈ ગોહેલ, તેના પૌત્ર અશ્વિન, ભત્રીજા સતિષભાઈ કિશોરભાઈ ગોહેલને ઇજા થઈ હતી.

જૂની સરવઈ ગામે રહેતા ડાહ્યાભાઈ જોગવા બાઇક પર લાઠીદડ ખોળ લેવા ગયા હતા. ત્યાંથી ખોળ લઈને પરત આવતા હતા ત્યારે લાઠીદડના સરવઈ રોડ પર બાપા સીતારામ મઢુલી પાસે રાઘવભાઈ ગોહેલે રસ્તા પર આઇસર પાર્ક કર્યું હતું. તેને આઇસર સાઇડમાં લેવાનું કહેતા બોલાચાલી અને ઝઘડો થયો હતો. રાઘવભાઇએ ગાળો આપીને ડાહ્યાભાઇને લાફા મારી દીધા હતા. બાદમાં ડાહ્યાભાઈ, તેના પિતા, કાકા અને ફઇનો દીકરો ઠપકો આપવા જતા રાઘવભાઈ પોપટભાઈ ગોહેલ સહિત બાર જેટલા શખસે ફરસી, કુહાડી, લાકડી અને પાઇપથી હુમલો કરીને ચારેયને ઇજા કરી હતી. સામાપક્ષે પોપટભાઈ ઓધડભાઈ ગોહેલ, તેના પુત્ર રાઘવભાઈ ગોહેલ, પૌત્ર અશ્વિન અને ભત્રીજા સતિષ કિશોરભાઈ ગોહેલ પર કુહાડી અને લાકડીથી હુમલો કરીને ઇજા કરવામાં આવી હતી. બનાવ અંગે ડાહ્યાભાઈએ રાઘવ ગોહેલ સહિત બાર સામે તથા રાઘવ ગોહેલે ડાહ્યા જોગવા સહિત 21 સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.