તમામ ફ્રૂટ અમદાવાદ, ભાવનગર, બોટાદ, રાજકોટ સિવિલ હોસ્પિટલે પ્રસાદી અર્થે મોકલાશે
બોટાદ, તા. 19: (ફૂલછાબ ન્યુઝ) બોટાદના સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુર ધામમાં દાદા સમક્ષ પહેલીવાર 57 હજાર કિલો ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો હતો તેમજ શતામૃત મહોત્સવ અંતર્ગત દાદાને વિશેષ વાઘાનો, સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મહાઅન્નકૂટના મુખ્ય યજમાન પાર્થ આશિષભાઈ ધકાણ-મુંબઈ, અન્નકૂટના સહયજમાન અ.િન. મુમણભાઈ સોમાભાઇ ભરવાડ, હ. જીગરભાઇ ભરવાડ અમદાવાદ દ્વારા “િકંગ ઓફ સાળંગપુર”ના પ્રાંગણમાં સવારે ધરાવાયો હતો. વડતાલ ગાદીના 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ, વડીલ સંતો દ્વારા મહા અન્નકૂટની આરતી કરાઇ હતી. આજે પહેલીવાર 57 હજાર કિલો ફ્રૂટનો અન્નકૂટ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની મૂર્તિ સમક્ષ અર્પણ કરાયો હતો. મહત્ત્વનું છે કે, આ અન્નકૂટમાં દાદા સમક્ષ મૂકવામાં આવેલું તમામ ફ્રૂટ બોટાદ જિલ્લા સહિત અમદાવાદ, ભાવનગર, રાજકોટની ગર્વમેન્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિ સમક્ષ પહેલીવાર 57,000 કિલો અન્નકૂટ ધરાવાયો હતો. આ માટે કેન્યાની કેરી, ઇમ્પોર્ટેડ ફૂડ સહિતના તમામ ફ્રૂટનો અન્નકૂટ વ્યવસ્થિત ગોઠવાયા હતા. અન્નકૂટ ધરાવવા અને શણગારવા માટે 6 સંતો, 200 સ્વયંસેવકોએ 24 કલાક મહેનત કરી હતી. અન્નકૂટના દર્શનાર્થે ભાવિકો ઉમટયા હતા.