• મંગળવાર, 28 નવેમ્બર, 2023

ઠંડીના હળવા અહેસાસના માહોલમાં રવી વાવેતર શરૂ

ઠંડીનું આગમન મોડું થતાં વાવણીમાં વિલંબ, આરંભે 30 ટકા ઓછી વાવણી

રાજકોટ,તા. 20: (ફૂલછાબ ન્યૂઝ) હવામાનમાં ઠંડક પ્રસરી છે પણ હજુ સૂર્યોદય પછી ગરમીનો અનુભવ થઇ રહ્યો હોવાથી શિયાળુ વાવેતર પ્રભાવશાળી નથી. ઠંડીની શરૂઆત મોડી થઇ છે અને કેટલાક વિસ્તારોમાં પાણીની ખેંચ પણ દેખાય છે એટલે વાવેતરનો આરંભ નબળો રહ્યો છે.રાજ્યમાં શિયાળુ પાકોનું વાવેતર પાછલા વર્ષ કરતા 30 ટકા ઓછું થયું છે.

કૃષિ વિભાગના તાજા આંકડાઓ પ્રમાણે 11.77 લાખ હેક્ટર વિસ્તારમાં વિવિધ શિયાળુ પાકનું વાવેતર થયું છે. પાછલા વર્ષના 16.46 લાખ હેક્ટર કરતા ઓછું છે. ખેડૂત વર્ગ કહે છે, વાવણી હજુ શરૂ થઇ છે. ઘણા ખેતરોમાં કપાસનો પાક ઉભો છે, એ ખેંચીને દૂર કર્યા પછી હવે ખેતર તૈયાર થઇ રહ્યા છે એટલે વાવેતર વિસ્તાર આવનારા દસ પંદર દિવસમાં એકદમથી વધવા લાગશે.

જીરૂના ભાવમાં આક્રમક અને વિક્રમી તેજી પછી ખેડૂતોને આ મસાલા પાકનું જબરું આકર્ષણ છે. તમામ શિયાળુ પાકોના વાવેતર 20 નવેમ્બર સુધીમાં ઘટયાં છે પણ જીરૂનું વાવેતર વધ્યું છે. ખેડૂતોએ 88,696 હેક્ટરમાં જીરૂ વાવ્યું છે, જે પાછલા વર્ષમાં 77,037 હેક્ટરમાં હતુ.

ખેડૂતોના ફેવરીટ ગણાતા ધાણાના પાકનું વાવેતર ઘણું કપાયું છે. મંદીને લીધે ખેડૂતોનો રસ ઘટી ગયો છે. વાવેતર વિસ્તાર 35,754 હેક્ટર થયો છે, પાછલા વર્ષમાં 95,633 હેક્ટર વાવેતર હતું. અલબત્ત, વાવેતર વિસ્તાર વધશે પણ પાછલા વર્ષ જેટલો થાય એવી શક્યતા ઓછી દેખાય છે.

ઘઉં જેવા મોટાં અને મહત્વના પાકનું વાવેતર 1.87 લાખ હેક્ટરમાં થયું છે. સરેરાશ કરતા 14 ટકા વાવણી થઇ ગઇ છે. પાછલા વર્ષમાં 2.81 લાખ હેક્ટરમાં વાવેતર હતુ. કઠોળમાં ચણાનો વિસ્તાર ઘટીને 1.86 લાખ હેક્ટર છે, જે પાછલા વર્ષમાં 3.31 લાખ હેક્ટર છે. રાઇનું વાવેતર 2.47 સામે 1.66 લાખ હેક્ટર રહ્યું છે.

ધાન્ય પાકોમાં જુવારનું 14,677 અને મકાઇનું 25,698 હેક્ટરમાં વાવેતર થયું છે. શેરડીનું વાવેતર 1.05 લાખ સામે 90 હજાર હેક્ટરમાં થયું છે. લસણનો વિસ્તાર  3,196 હેક્ટર સવાનો 6,314 હેક્ટર, ઇસબગુલનો વિસ્તાર 591 હેક્ટર, વરિયાળીનો 32,452 હેક્ટર, ડુંગળીનો 22,746 હેક્ટર અને બટાટાનો વિસ્તાર 35,723 હેક્ટર રહ્યો છે.

 

 

Sports

ભારતનું લક્ષ્ય શ્રેણી કબજે કરવી: આજે ત્રીજો T-20 પ્રવાસી ટીમ ઓસ્ટ્રેલિયા પર શ્રેણી જીવંત રાખવાનું દબાણ November 28, Tue, 2023