• મંગળવાર, 23 એપ્રિલ, 2024

સૌરાષ્ટ્રના યાર્ડમાં મરચાં, ધાણા, ઘઉં, ચણા સહિતની ચીજોની તીવ્ર આવક

માર્ચ અંતની રજા પછી યાર્ડ ખૂલ્યાં અને ખેડૂતોએ શિયાળુ પાકના પોટલાં યાર્ડમાં ઠાલવ્યાં

રાજકોટ, જામનગર, ગોંડલ, તા.2 (ફૂલછાબ ન્યૂઝ) : ખેત જણસીના મુખ્ય વ્યાપાર મથક તરીકે જાણિતા માર્કેટ યાર્ડમાં વેકેશન પછી ધમધમાટ વધ્યો છે. સૌરાષ્ટ્રના મોટા યાર્ડમાં મરચાં, ધાણા, ઘઉં, ચણા, ડુંગળી, લસણ, જીરું સહિતની ચીજોના ઢગલાં થયા હતા. રાજકોટ, ગોંડલ, જામનગર, જસદણ, બોટાદ સહિતના માર્કેટ શિયાળુ પાકની આવકથી છલકાઇ ગયા હતા. મબલક આવક છતાં કિસાનોને સારો ભાવ મળી રહ્યો છે એટલે ખુશી છે.

ગોંડલ યાર્ડમાં મરચાંની 60-65 હજાર ભારીની આવક થઇ હતી તેમ ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું. એ ઉપરાંત  ધાણાની 55-60 હજાર ગુણી, ઘઉંની 50 હજાર કટ્ટાની તથા ચણાની 40-45 હજાર કટ્ટાની આવક થઇ હતી. યાર્ડમાં આશરે 15 હજાર ગુણી સફેદ ડુંગળી પણ આવી હતી. યાર્ડમાં મરચાં, ઘઉં, ધાણા અને ચણાનો ભરાવો થઇ જતા નવી આવકને બંધ કરવી પડી છે.

ગોંડલમાં મરચાંના કામકાજ હાઇબ્રીડ વેરાઇટીમાં રૂ. -3251માં થયા હતા. જ્યારે રેશમપટ્ટોમાં રૂ. 651-5901ના ભાવ હતા. ધાણા રૂ. 1000-2201માં અને ધાણી  1100-2801માં વેચાઇ હતી. ઘઉંમાં લોકવન રૂ. 450-616 અને ટૂકડા રૂ.460-700માં વેચાયા હતા. (જુઓ પાનું 10)

ચણાના કામકાજ રૂ. 1001-1141ના ભાવથી થયા હતા.

રાજકોટમાં પણ મંગળવારથી હરાજી શરૂ થઇ હતી પણ ગઇકાલે આવક કરાતા ઘઉંની 20 હજાર ગુણી, ચણા 18 હજાર ગુણી, ધાણા 8 હજાર ગુણી, જીરું 4 હજાર ગુણી અને કપાસની 12 હજાર મણની આવક થઇ હતી. 11 હજાર ગુણી મગફળી આવી હતી.  વેપારીઓએ કહ્યું હતુ કે, હવે સીઝનલ ઘરાકી જોર પકડશે એટલે ગ્રાહકી વધશે.

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં 10 દિવસના વેકેશન પછી કામકાજ શરૂ થતા ગત રાત્રિથી આવક શરૂ કરાઇ અને સવારથી હરાજી આરંભાઇ હતી. યાર્ડનું રૂ. 1400 કરોડનું ટર્નઓવર છે અને તેના કારણે પાછલા વર્ષમાં સેસની આવક 7 કરોડની થઇ હતી.

જૂનાગઢ યાર્ડના ટર્નઓવરમાં 135 કરોડનો વધારો

જૂનાગઢ, તા.2 :  જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો અતૂટ વિશ્વાસ અને પદાધિકારીઓનું માર્ગદર્શન તથા કર્મચારીઓના ઉતમ ટીમ વર્કને પરિણામે વાર્ષિક ટર્ન ઓવરમાં રૂ.135 કરોડનો અભૂતપૂર્વ વધ8ારો નોંધાયો છે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જૂનાગઢ અનાજ, કઠોળ મુખ્ય માર્કેટિંગ યાર્ડ તથા શાકભાજી, ફળફળાદી સબયાર્ડમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સારી વિકાસની હરણફાળ ભરી છે. ગત વર્ષે અનાજ, કઠોળ મુખ્ય યાર્ડનું ટર્ન ઓવર રૂ.1010 કરોડ હતું. જે વર્ષ 2023-24માં રૂ.1145 કરોડ નોંધાયું છે. શાકભાજી, ફળળાદી સબ યાર્ડમાં ગત વર્ષે રૂ.9.80 લાખની યુઝરચાર્જની આવક થઇ હતી. જ્યારે આ વર્ષે રૂ.11.94 લાખનો વધારો નોંધાયો છે. કુલ આવક રૂ.51.74 લાખની થઇ છે. વર્ષ 2023-24માં 2.75 લાખ કિવન્ટલની જણસીની આવકમાં વધારા સાથે કુલ 18.75 લાખ કિવન્ટલ જણસની આવક નોંધાય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક