• શનિવાર, 13 જુલાઈ, 2024

બનાસકાંઠાના ગામમાં ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી

આ પેકેટમાંથી બાળકોએ નાસ્તો કરતા તેમને ઝાડા-ઉલટી થઈ ગયા

 

અમદાવાદ, તા. 23:  થરાદના એક ગામમાં ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આનંદ નમકીન નામની કંપનીના નાસ્તાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી હતી. આ પેકેટનો નાસ્તો બાળકોએ કરતા તેમને ઝાડા-ઉલટી પણ થયા હતા. હાલ તે વ્યક્તિએ ફૂડ એન્ડ ડ્રગ્સને આ અંગેની જાણ કરી છે. આ લોકોની ટીમ નાસ્તાનો નમૂનો લઇ ગઇ છે.

થરાદના એક ગામમાં રહેતા પરિવારના ઘરમાં આ ઘટના ઘટી હતી. આ ઘરના એક વ્યક્તિ 10થી 15 દિવસ પહેલા આનંદ નમકીનના  બે પેકેટ લાવ્યા હતા. આ પેકેટમાંથી બાળકો નાસ્તો કરતા હતા. આ બે બાળકોને નાસ્તો ખાધા બાદ ઝાડા ઉલ્ટી થયા હતા. જે બાદ પિતાએ પેકેટ પાછળની એક્સપાઇરી ડેટ જોવા માટે પડીકું હાથમાં લીધું હતું. આ પેકેટ પર તારીખ તો બરાબર હતી પરંતુ પેકેટનો નાસ્તો અંદરથી તપાસતા તેમને મરેલી ગરોળી જોવા મળી હતી. જે બાદ તેમણે આ અંગેની જાણ દુકાનદારને કરી હતી. દુકાનદારે આ કંપનીનો નંબર તે વ્યક્તિને આપ્યો. તે વ્યક્તિએ કંપનીમાં ફોન કર્યો તો તેમણે ભૂલ સ્વીકારી ન હતી. જેથી આ વ્યક્તિએ ગ્રાહક સુરક્ષામાં આ અંગેની ફરિયાદ કરી હતી. જે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ અંગેની તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ જામનગરમાં વેફરના પેકેટમાંથી એક મૃત દેડકો મળી આવ્યો હતો. ગુજરાતની જાણીતી વેફર્સ કંપનીના પેકેટમાંથી મૃત દેડકા મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક