• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

દારૂ ભરેલી કાર પકડવા જતાં અકસ્માતમાં PSIનો જીવ ગયો

સુરેન્દ્રનગરના દસાડા નજીક બનેલી ઘટના : દસાડાના રસ્તે દારૂ ભરેલી કારનો પીછો કરતા ટ્રક ચાલકે કારને અડફેટે લેતા મૃત્યુ થયું : બે કોન્સ્ટેબલ ઘાયલ

અમદાવાદ, તા.5: (ફૂલછાબ ન્યુઝ) હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. ત્યારે  ડ્રાય સ્ટેટ તરીકે ઓળખતા ગુજરાતમાં બુટલેગરો બેખોફ બની ગયા છે. રાજ્યમાં લાખોનો દારૂ અને ડ્રગ્સ પકડાવું સામાન્ય બની ગયા છે. આઘાતજનક વાત એ છે કે, બુટલેગરો વિરુદ્ધ કડક હાથે કામ લેતી પોલીસ પર પણ અવારનવાર હુમલાના સમાચાર સામે આવે છે. ત્યારે સોમવારે મોડી રાત્રે સુરેન્દ્રનગરના દસાડા નજીક દારૂ ભરેલી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રેલરે ટક્કર મારતા પીએસઆઇ જાવેદ પઠાણને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં હાહાકાર મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોનિટરિંગ સેલ (એસએમસી) ટીમના પી.એસ.આઇ. જાવેદ એમ. પઠાણ અને બે કોન્સ્ટેબલની ટીમને બાતમી મળી હતી કે, દસાડાના એક ચોક્કસ રસ્તા પર દારૂ ભરેલી કાર નીકળવાની છે. આ બાતમીના આધારે તેઓ પોતાને ટીમ સાથે રાત્રે 2-30 વાગ્યા આસપાસ વોચ ગોઠવીને દારૂ ભરેલી કાર પકડવા નીકળ્યા હતા. આ દરમિયાન પાટડી દસાડા તરફ જતા માર્ગ પરથી પસાર થતા એક અજાણ્યા ટ્રક ચાલકે તેમની કારને અડફેટે લઇ લીધા હતા.

સમગ્ર ઘટના અંગે એસએમસી ચીફ નિર્લિપ્ત રાયે કહ્યું કે, આ ખૂબ જ દુ:ખદ ઘટના છે અને અમે અમારા બહાદુર જવાનને ગુમાવ્યો છે. નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે, પઠાણને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક કાર દારૂ લઈને ગુજરાતમાં પ્રવેશી છે અને સુરેન્દ્રનગર તરફ જઈ રહી છે. સમાચાર મળતાં જ તેઓ અમદાવાદથી ફોર્ચ્યુનર કાર અને અન્ય ટીમ સાથે રવાના થયા હતા.

આ ટક્કર એટલી ભયંકર હતી કે અકસ્માતમાં પી.એસ.આઇ. જાવેદ પઠાણનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય બે કોન્સ્ટેબલ ઇ–જાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને બહાર કાઢીને વિરમગામની હોસ્પિટલમાં ખસેડયા હતા. આ અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક