• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

સાવરકુંડલામાં કેબીન રાખવાના મામલે વેપારી-ભાજપ આગેવાન સહિત ત્રણ પર ટોળાનો હુમલો : ચાર ઝડપાયા

લોહાણા મહાજન વાડી પાસે પાર્કિંગનું કામ ચાલતું હોય રસ્તામાં કેબીન મુકતા ડખ્ખો થયો હુમલાના બનાવના પગલે બંધ પાડી વિરોધ વ્યક્ત કરાયો

સાવરકુંડલા, તા.ર8 : સાવરકુંડલામાં લોહાણા મહાજન વાડી પાસે પાર્કિંગના કામ દરમિયાન કોઈએ રસ્તામાં કેબીન મુકતા મામલો બીચક્યો હતો અને ભાજપ આગેવાન અને બે વેપારી સહિત ત્રણ ઉપર ટોળાએ હુમલો કરતા ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આ બનાવના પગલે હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપી ગયો હતો અને ગામ બંધ પાડી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બનાવથી ભારે તંગદીલી વ્યાપી જતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ચાર હુમલાખોરને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, સાવરકુંડલામાં લોહાણા મહાજન વાડીમાં પાર્કિંગનું કામ ચાલતું હતું ત્યારે રસ્તામાં કોઈ શખસોએ કેબીન મુકતા તે હટાવી લેવાનું કહેવામાં આવતા ટોળું એકઠું થઈ ગયું હતું અને ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, શ્રીરામ જનમોત્સવ સમિતિના ઉપપ્રમુખ જગદીશ માધવાણી અને આરએસએસના કાર્યકર તેજસ રાઠોડ પર ટોળાએ હુમલો કરતા ભારે તંગદીલી વ્યાપી ગઈ હતી અને ઘવાયેલા ત્રણેય આગેવાનોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગેની જાણ થતા અમરેલી-સાવરકુંડલાનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને હોસ્પિટલ ખાતે આગેવાનો પણ દોડી ગયા હતા અને આ બનાવના પગલે સાવરકુંડલા બંધ રહ્યું હતું અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બનાવના પગલે ધારાસભ્ય મહેશ કસવાલા પણ હોસ્પિટલે દોડી ગયા હતા અને પોલીસ અધિકારીઓને આ બનાવમાં સંડોવાયેલ શખસો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દરમિયાન આ હુમલાના બનાવમાં સંડોવાયેલા ચાર શખસને ઝડપી લીધા હતા. પોલીસે હુમલાખોર ટોળા વિરુદ્ધ ગનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી અને આ બનાવમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે અંગે તપાસ હાથ ધરી હતી અને બનાવ આસપાસના સીસીટીવી કેમેરાના આધારે સમગ્ર ઘટનાના અંકોડા મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક