• શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025

ગોંડલના વેપારી સાથે કપાસનો સોદો કરીને હડમતિયાના ખેડૂત છેતરાયા

ગોંડલના વેપારી રૂપિયા 6.12 લાખનો 407 મણ કપાસ લઈ રફુચક્કર થઈ જતા ફરિયાદ

જામનગર, તા.10: જામનગર તાલુકાના હડમતીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સંજયભાઈ સવજીભાઈ ધામેલીયા નામના ખેડૂત યુવાને ગોંડલમાં માર્કેટીંગ યાર્ડ પાસે રહેતા અને જુદી જુદી ખેત પેદાશની ખરીદી કરતા જીતેનભાઈ કલાલ નામના વેપારી સામે પોતાની સાથે રૂપિયા 6,12,535ની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પંચકોશી એ ડિવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ખેડૂત છેલ્લા કેટલાક વર્ષોથી કપાસ વગેરેની ખેતી કરે છે અને પોતાના ખેતરમાં તૈયાર થયેલો કપાસનો પાકનો જથ્થો મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ કેટલાક વર્ષોથી ગોંડલમાં રહેતા હિતેનભાઈ કલાલને વેચાણ કરતા હતા અને પ્રતિવર્ષ તેમનું વેચાણ કરીને પૈસા મેળવી લેતા હતા. જેથી જીતેનભાઈ સાથે પરિચય થઈ ગયો હતો.

દરમિયાન ગત વર્ષે પોતાની વાડીમાં તૈયાર થયેલો કપાસનો જથ્થો તેમજ આસપાસના ખેડૂતો પાસેથી મેળવેલો કુલ 407 મણ કપાસનો જથ્થો કે જેની કુલ કિંમત 6,12,535 થાય છે. જે તમામ જથ્થો એક ટ્રકમાં ભરીને જીતેનભાઈને આપ્યો હતો અને જીતેનભાઈ બીજા દિવસે પૈસાનું આંગડિયુ કરીને મોકલાવી દેશે તેવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો, તેથી ખેડૂત માની ગયા હતા, અને બીજા દિવસે પૈસાની રાહ જોઈ હતી.  પરંતુ જીતેનભાઈએ પૈસા આપ્યા ન હતા, ત્યારબાદ તેનો સંપર્ક કરતા તેઓનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો, અને ગોંડલમાં પણ તપાસ કરતા તેઓ ક્યાંક લાપતા બની ગયા હતા. લાંબો સમય સુધી તેની શોધખોળ કર્યા પછી પણ કોઈ પત્તો નહીં મળતા આખરે વેપારી દ્વારા પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પંચકોશી એ ડિવી.પોલીસ મથકમાં નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.જી.જાડેજા ગોંડલના વેપારીને શોધી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક